સુરત શહેરમાં ગરમીનો પ્રકોપ ફરી એકવાર વધી ગયો છે. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા લોકો અકળાઈ ઉઠ્યા હતા. અસહ્ય ગરમી અને ભારે બફારાના કારણે શહેરના રસ્તાઓ અને બજારો બપોર દરમિયાન સૂમસામ જોવા મળ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આજે સોમવાર માટે શહેરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે દિવસ સુધી પણ ગરમીમાંથી કોઈ ખાસ રાહત મળવાના સંકેત નથી. હવામાન વિભાગના આંકડા મુજબ, શહેરનું લઘુત્તમ તાપમાન 27.6 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ઘણું વધારે છે. દિવસ દરમિયાન ગરમી સાથે રાત્રે પણ લોકો ગરમ હવામાનથી પરેશાન રહ્યા હતા.
રવિવારે પવનની ગતિ લગભગ શાંત રહી હતી, જેના કારણે ગરમ હવાના મોજાં વાતાવરણમાં જ સ્થિર થઈ ગયા હતા. પવન ન હોવાને કારણે લોકોને કોઈ રાહત મળી નહોતી. આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ 74 ટકા સુધી પહોંચી જતા બફારામાં પણ ભારે વધારો થયો હતો. લોકો વધુ પરસેવો, થાક અને શારીરિક અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં એર કંડિશનર અને પંખા પણ ગરમી સામે અસરકારક સાબિત થઈ રહ્યા નથી. ગરમીના કારણે બપોરના સમયે શહેરમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકો માત્ર જરૂરી કામ માટે જ બહાર નીકળતા હતા, જ્યારે મોટાભાગના લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ સુધી તાપમાન 41થી 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જેના કારણે હીટવેવ જેવી સ્થિતિ યથાવત્ રહી શકે છે. તબીબોએ નાગરિકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બહાર ન નીકળવું, પૂરતું પાણી પીવું, છાશ અને ORSનું સેવન કરવું તથા હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બહાર કામ કરતા લોકોને વધુ સાવચેત રહેવા તબીબોએ અપીલ કરી છે.