પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ હવે રાજ્યની રાજકીય અને વહીવટી ઓળખમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની નવી ભાજપ સરકારે તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનરજી સરકારની ઓળખ માનાતા ‘બિસ્વ બાંગ્લા’ લોગોને સરકારી માળખા અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. તેના સ્થાને હવે દેશના રાષ્ટ્રીય પ્રતીક ‘અશોક સ્તંભ’ને રાજ્યની સત્તાવાર ઓળખ તરીકે આગળ ધપાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણયને માત્ર એક સામાન્ય લોગો બદલાવ તરીકે નહીં, પરંતુ પશ્ચિમ બંગાળમાં રાજકીય વિચારધારાના મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યો છે. છેલ્લા 13 વર્ષથી ‘બિસ્વ બાંગ્લા’ લોગો રાજ્ય સરકારની દરેક યોજના, વેબસાઇટ, ઓફિસ અને જાહેર પ્રોજેક્ટની મુખ્ય ઓળખ બની ગયો હતો. હવે નવી સરકારે તે ઓળખને તબક્કાવાર રીતે સંપૂર્ણપણે હટાવવાનું શરૂ કર્યું છે.
આ ફેરફારની સૌથી મોટી અસર કોલકાતાના પ્રખ્યાત સોલ્ટ લેક સ્ટેડિયમમાં જોવા મળી હતી. સ્ટેડિયમ પરથી ‘બિસ્વ બાંગ્લા’નું ચિહ્ન દૂર કરીને ત્યાં અશોક સ્તંભનું રાષ્ટ્રીય પ્રતીક સ્થાપિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારના સત્તાવાર પોર્ટલ ‘એગીયે બાંગ્લા’નો દેખાવ પણ સંપૂર્ણ બદલાઈ ગયો છે. અગાઉ મમતા સરકારની ઓળખ ગણાતી વાદળી અને સફેદ રંગની થીમ હવે કેસરી રંગથી બદલાઈ ગઈ છે. નવી ડિઝાઇનમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડ સાથે રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ અને મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીનો ફોટો જોવા મળી રહ્યો છે. માત્ર મુખ્ય પોર્ટલ જ નહીં, પરંતુ પ્રવાસન, ઉદ્યોગ, કૃષિ સહિત અનેક સરકારી વિભાગોના ડિજિટલ લોગો અને ગ્રાફિક્સમાં પણ કેસરી થીમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
‘બિસ્વ બાંગ્લા’ લોગો વર્ષ 2013માં મમતા બેનરજી સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. તે સમયે તેને બંગાળની સાંસ્કૃતિક ઓળખ, હસ્તકલા અને પર્યટનને પ્રોત્સાહન આપતી બ્રાન્ડ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. બંગાળી અક્ષર “બ” પરથી પ્રેરિત આ લોગો રાજ્યની બ્રાન્ડ ઈમેજ બની ગયો હતો. સરકારી જાહેરાતોથી લઈને ઇમારતો, બસો અને સત્તાવાર દસ્તાવેજો સુધી દરેક જગ્યાએ તેનો ઉપયોગ થતો હતો. આ લોગોને લઈને અગાઉ પણ વિવાદ સર્જાયો હતો. ભાજપના નેતા મુકુલ રોયે આક્ષેપ કર્યો હતો કે આ એક વ્યક્તિગત ડિઝાઇન છે અને તેને સરકારી પ્રતીક તરીકે ઉપયોગમાં લેવો યોગ્ય નથી. ત્યારે મમતા બેનરજીએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે પોતે આ લોગો ડિઝાઇન કર્યો છે અને સરકારને કોઈપણ રોયલ્ટી લીધા વિના ઉપયોગ માટે આપ્યો છે.
હવે ભાજપ સરકાર આ મુદ્દે અલગ દલીલ આપી રહી છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે કોઈ એક વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલું ચિહ્ન રાજ્ય સરકારની સત્તાવાર ઓળખ બની શકે નહીં. તેમના મતે, સરકારી કામકાજ અને વહીવટી પ્રતીકો માટે બંધારણીય રીતે માન્ય અને રાષ્ટ્રીય ઓળખ ધરાવતું ‘અશોક સ્તંભ’ જ યોગ્ય પ્રતીક છે. નવી સરકારના શપથ ગ્રહણ બાદથી જ બસો, કચેરીઓ, સરકારી પ્રણાલીઓ અને વિવિધ પ્રોજેક્ટમાંથી ‘બિસ્વ બાંગ્લા’ લોગો ગાયબ થવા લાગ્યો છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ બદલાવ માત્ર પ્રતીકાત્મક નથી, પરંતુ પશ્ચિમ બંગાળમાં એક નવી રાજકીય દિશા અને વિચારધારાનો સંકેત છે. ભાજપ સરકાર હવે રાજ્યની ઓળખને રાષ્ટ્રીય પ્રતીકો સાથે જોડીને નવી છબી ઉભી કરવાનો પ્રયાસ કરી રહી છે.