ડૉ. મનીષ દોશીએ વડાપ્રધાનને પત્ર લખી સમગ્ર પરીક્ષા વ્યવસ્થામાં કાયમી સુધારાની માંગ
અમદાવાદ,
NEET-UG માં પેપર લીક થવાને કારણે દેશના અંદાજે 22 લાખ અને ગુજરાતના 85 હજારથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ છે. “આ હવે માત્ર પરીક્ષાની સમસ્યા નથી, પરંતુ રાષ્ટ્રીય આપત્તિ સમાન ઘટના છે, જેણે ભવિષ્યના ડોક્ટરોના સપનાઓને તોડી નાખ્યા છે, ત્યારે કોગ્રેસે વડાપ્રધાનને પત્ર લખી નીટ પરીક્ષા વ્યવસ્થામાં કાયમી સુધારાની માગણી કરી છે.
પ્રદેશ કોગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ વડાપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ, સંપૂર્ણ જવાબદારી અને સામેલ તમામ વ્યક્તિઓ સામે સખત સજા એ સમયની માંગ છે,
NEET-UG પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ વ્યવસ્થાગત સુધારાઓ અત્યંત જરૂરી છે, વિદ્યાર્થીઓને લીક-પ્રૂફ અને પારદર્શક વ્યવસ્થાનો અધિકાર છે. લાખો બાળકોનો વિશ્વાસ પરીક્ષા વ્યવસ્થામાં પુનઃસ્થાપિત કરવાની કેન્દ્ર સરકારની જવાબદારી બને છે. પેપર લીક એ ભૂલ નથી, તે સંગઠિત વિશ્વાસઘાત છે. મેરિટ ટકી શકતી નથી જ્યાં ભ્રષ્ટાચાર પરીક્ષાઓ નિયંત્રિત કરે, ભારતના ભવિષ્યના ડોક્ટરોને ટ્રોમા નહીં, પારદર્શિતા જોઈએ છે. આ રાજકીય મુદ્દો નથી આ રાષ્ટ્રીય સંકટ છે. આરોગ્ય વ્યવસ્થા અને યુવાનોનું ભવિષ્ય દાવ પર છે, ત્યારે દેશહિતમાં પ્રધાનમંત્રી તરત હસ્તક્ષેપ કરો.
NEET-UGમાં વારંવાર પેપર લીક થવાથી NTAની સંપૂર્ણ વ્યવસ્થાગત નિષ્ફળતા, વહીવટી બેદરકારી અને સંગઠિત પરીક્ષા માફિયાનું સામ્રાજ્ય ઉજાગર થયું છે. દેશના ૨૨ લાખ નિષ્ઠાવાન વિદ્યાર્થીઓ અને ગુજરાતના ૮૫૦૦૦ વિદ્યાર્થીઓના વર્ષોની મહેનત અને સપનાઓને ભ્રષ્ટાચાર અને પેપર લીકે કાયમ માટે નષ્ટ કરી રહ્યા છે. માત્ર પરીક્ષા રદ કરવાથી ન્યાય નથી મળતો ત્યારે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તાત્કાલિક તપાસ કરવામાં આવે.
ડૉ. મનીષ દોશીએ પત્રમાં માગણી કરતા કહ્યું છે કે NTAની તમામ સિસ્ટમ્સનું સંપૂર્ણ ડિજિટલ ઓડિટ કરવામાં આવે, પ્રશ્નપત્રો અને જવાબપત્રો માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન અને ફૂલપ્રૂફ વ્યવસ્થા જરૂરી છે, અધિકારીઓ માટે કડક શિક્ષાત્મક જવાબદારી ફ્રેમવર્ક ઊભુ કરવામાં આવે. અવરોધક શિક્ષા સાથે મજબૂત એન્ટી-પેપર લીક કાયદો સાચા અર્થમાં અમલીકરણ કરવામાં આવે. વર્તમાન વહીવટી માળખા બહાર સ્વતંત્ર પરીક્ષા નિયમનકારી સંસ્થાની રચના કરવામાં આવે.