અમદાવાદ,
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દાણચોરીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સોનાના દાગીના અને નશીલા પદાર્થો બાદ હવે વિદેશી અને નકલી સિગારેટની દાણચોરીનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. આજે 13 મેના રોજ એરપોર્ટના આગમન હોલ ખાતે કસ્ટમ વિભાગ દ્વારા હાથ ધરાયેલા રૂટિન ચેકિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.
માહિતી અનુસાર, દુબઈથી એમીરેટસની ફ્લાઈટ નંબર EK-538 દ્વારા અમદાવાદ આવેલા ત્રણ મુસાફરોના સામાન પર કસ્ટમ અધિકારીઓને શંકા ગઈ હતી. જેના આધારે ત્રણેય મુસાફરોને અટકાવી તેમના બેગેજની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન અધિકારીઓને સામાનમાં ખૂબ જ ચતુરાઈપૂર્વક છુપાવવામાં આવેલી વિદેશી મૂળની સિગારેટનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કસ્ટમ વિભાગે મોન્ડ (Mond) બ્રાન્ડના 280 બોક્સ તેમજ ગુડાંગ ગરમ બ્રાન્ડની 286 બોક્સ સિગારેટ જપ્ત કરી હતી.આ સમગ્ર જથ્થો કોઈપણ માન્ય દસ્તાવેજો વગર ભારતમાં લાવવામાં આવ્યો હોવાનું સામે આવતા કસ્ટમ્સ એક્ટ, 1962ની વિવિધ જોગવાઈઓ હેઠળ સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ જપ્ત કરાયેલા આ વિદેશી સિગારેટની કિંમત લાખો રૂપિયામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હાલ કસ્ટમ વિભાગ દ્વારા ઝડપાયેલા ત્રણેય મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આટલી મોટી માત્રામાં સિગારેટ કોના માટે લાવવામાં આવી હતી અને તેની પાછળ કોઈ સંગઠિત દાણચોરી નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ એરપોર્ટ પર વિદેશી સિગારેટ, કિંમતી પેન તેમજ અન્ય પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરીના બનાવોમાં વધારો નોંધાયો છે. જેને ધ્યાનમાં રાખીને કસ્ટમ વિભાગ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા એરપોર્ટ પર તપાસ વધુ કડક બનાવવામાં આવી છે.