મિડલ ઇસ્ટમાં વધતા ઈરાન-અમેરિકા તણાવની અસર હવે ભારતની અર્થવ્યવસ્થા પર પણ સ્પષ્ટ દેખાવા લાગી છે. એપ્રિલ મહિનામાં દેશનો જથ્થાબંધ ફુગાવાનો દર (WPI Inflation) વધીને 8.3% પર પહોંચી ગયો છે, જે છેલ્લા 42 મહિનાનો સૌથી ઊંચો સ્તર માનવામાં આવી રહ્યો છે. માર્ચ મહિનામાં આ દર 3.88% હતો, પરંતુ માત્ર એક મહિનામાં તેમાં મોટો ઉછાળો નોંધાયો છે. સરકારી આંકડા મુજબ, આ વધારાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલ, પેટ્રોલિયમ ઉત્પાદનો, કુદરતી ગેસ અને ઇંધણના ભાવમાં થયેલો તીવ્ર વધારો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે અને તેની સીધી અસર ભારતીય બજાર પર પડી રહી છે. ખાસ કરીને ઊર્જા અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર તેનું દબાણ વધી ગયું છે.
જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) પર આધારિત ફુગાવો ઉત્પાદકોના ખર્ચમાં વધારાનો સંકેત આપે છે. એટલે કે, ઉત્પાદન માટે વપરાતા કાચા માલ, ઈંધણ અને પરિવહન ખર્ચમાં વધારો થતાં કંપનીઓ પર વધુ ખર્ચનો બોજ આવી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ સ્થિતિ લાંબા સમય સુધી રહેશે તો તેનો પ્રભાવ સામાન્ય ગ્રાહકો સુધી પણ પહોંચી શકે છે.
એપ્રિલ મહિનામાં LPG, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. LPG ફુગાવો માર્ચના 1.54% થી વધીને એપ્રિલમાં 10.92% થયો હતો. પેટ્રોલ ફુગાવો 2.50% થી સીધો 32.40% સુધી પહોંચી ગયો, જ્યારે હાઈ-સ્પીડ ડીઝલનો ફુગાવો 3.26% થી વધીને 25.19% થયો હતો. આ ઉપરાંત, ઇંધણ અને વીજળી ક્ષેત્રનો ફુગાવો પણ ભારે વધ્યો છે. માર્ચમાં 1.05% રહેલો આ દર એપ્રિલમાં વધીને 24.71% થયો હતો. ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસ ક્ષેત્રમાં ફુગાવો 67.18% સુધી પહોંચી ગયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે મધ્ય પૂર્વમાં વધતી અસ્થિરતા અને પુરવઠાની અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક ઊર્જા બજાર પર દબાણ વધી રહ્યું છે. જોકે, કેન્દ્ર સરકારે અત્યાર સુધી પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ LPGના રિટેલ ભાવમાં મોટો વધારો કર્યો નથી, જેના કારણે સામાન્ય લોકો પર સીધી અસર થોડી મર્યાદિત રહી છે. છતાં, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને વેપારી ક્ષેત્ર પર વધારાનો બોજ પડ્યો છે.
બીજી તરફ, દેશમાં છૂટક ફુગાવો (Retail Inflation) પણ ધીમે ધીમે વધી રહ્યો છે. એપ્રિલમાં છૂટક ફુગાવો 3.48% નોંધાયો હતો, જ્યારે માર્ચમાં તે 3.40% હતો. ઓક્ટોબર 2025માં આ દર માત્ર 0.25% હતો, પરંતુ ત્યારથી તેમાં સતત વધારો થઈ રહ્યો છે. નવેમ્બરમાં 0.71%, ડિસેમ્બરમાં 1.33%, જાન્યુઆરીમાં 2.74% અને ફેબ્રુઆરીમાં 3.21% સુધીનો વધારો નોંધાયો હતો. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નહીં થાય અને મિડલ ઇસ્ટનો તણાવ યથાવત રહેશે, તો આગામી મહિનાઓમાં પણ મોંઘવારીનું દબાણ ચાલુ રહી શકે છે. ખાસ કરીને પરિવહન, ઉત્પાદન અને ખાદ્ય વસ્તુઓના ભાવ પર તેની અસર વધુ જોવા મળી શકે છે. હાલ માટે સરકાર અને રિઝર્વ બેંક બંને માટે વધતી મોંઘવારી એક મોટી ચિંતા બની રહી છે.