Comments

લોકશાહીના ઘડતરમાં પત્રકારત્વ ચોથો સ્તંભ બને છે

ઈરાન અને ઈઝરાઈલ યુદ્ધની પ્રારંભિક શક્યતા દેખાતાં શેર બજારમાં કડાકો બોલી ગયો. વર્ષ ૨૦૨૪ની લોકસભા ઈલેક્શનમાં બી.જે.પી.ની સીટો ઘટવાની સંભાવના બજારમાં સચોટ રહી, પરંતુ જમ્મુ કાશ્મીર કે હરિયાણા રાજ્યનાં ચૂંટણી પરિણામો મીડિયાનો એકઝીટ પોલ અગાઉના ચૂંટણી પોલ માફક સદંતર ધૂળધાણી થયો. અહીં પ્રશ્ન છે કે બજારની ગણતરી સામે મીડિયાની ભૂમિકા હવામાનના વરતારા માફક શા માટે નબળી પુરવાર થાય છે! મીડિયામાં બેઠેલા શિક્ષિત અને અભ્યાસુ મહાનુભાવોને રાજકીય પક્ષોનાં ૮-૧૨ ધોરણ પાસ અને ક્યારેક જેલવાસ ભોગવી ચૂકેલા નેતાઓ સલાહ આપતા હોય છે કે “એરકંડિશનલ સ્ટુડિયો અને બિસ્લેરીની બોટલથી પંડિત થવાય રાજ નેતા નહીં.’’ બજારની સફળતા અને મીડિયાની નિષ્ફળતાના વલણથી હવે લોકશાહીના ઘડતરનું કાર્ય મીડિયા પાસેથી સરકી રહ્યાની ગંભીર નોંધ લેવી પડે તેવો સમય આવી પહોંચ્યો છે.

વર્ચ્યુઅલ સાયકોલોજીમાં વિકસતી નવી પેઢી તો સ્માર્ટ ફોન ઉપર છાપાં સામયિક ફેરવી કાઢે છે. વોટસએપ, ટવીટર, ફેઈસબુકના અતિરેકથી કેટકેટલીય સંવેદનશીલ બાબતો અદેખી રહી જાય છે અને કોવિડ પછી તો પ્રિન્ટ મીડિયા ઉપર શનિની સાડાસાતી મંડાઈ છે. આમ છતાં જે બચ્યું છે તેના આધારે બંધારણીય મૂલ્યોની જાળવણીનું કાર્ય પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાથી થાય તે અનિવાર્ય અપેક્ષા બને છે.

જો જીતા વો હી સીકંદર- તેવા પ્રચલિત અભિગમને લીધે રાજકીય પક્ષો હવે કોઈ પણ સ્તરની તડજોડથી સત્તામાં રહેવાનું ગોઠવી રહ્યાનું વલણ સહજ થયું છે અને આ માટે પક્ષો પોતાના ઉદ્યોગ જૂથોના ટેકે વર્તમાનપત્રો અને ટી.વી. ચેનલો ખરીદ કરેલ છે. પોતાની પાર્ટીને અનુરૂપ અભિપ્રાય પ્રજામત તરીકે પ્રતિપાદિત કરવા ઉત્સાહી રહે છે. જનમત, લોકમત, એક્ઝિટ પોલ તેવાં ફેન્સી નામથી મીડિયા માસ ઓપીનિયન તૈયાર કરવા પ્રયત્નશીલ રહે છે પરંતુ દેશનો આમ નાગરિક મીડિયાના અભિપ્રાયથી પોતાને અળગો રાખી રહ્યો છે, પરિણામે જનમત વિશે ધારણાઓ લગભગ લગભગ હવામાં ઊડી જતી જોવા મળે છે.

જમીની હકીકતો તો આવી જ કંઈક છે પણ તેથી ફરી બંધારણનાં મૂલ્યો ઉપર તો ફરી બજાર (સ્વાર્થવાદ)ની પકડ મજબૂત થઈ રહી છે! અર્થશાસ્ત્ર જેને ગૃપ ઓફ કૉમન ઈન્ટરેસ્ટ’ તરીકે જાણે છે તે વલણ અનુસાર સમાજસેવા, રાષ્ટ્રસેવા કે પછી વિકાસના ઓઠા તળે સમાન હિત જૂથ ધરાવતાં સ્વાર્થી લોકોને એકઠાં થવા આજે મોકળું મેદાન મળી રહ્યું છે.

પરિણામે; ત્રણ શિયાળા વીત્યા છતાં યુક્રેન અને રશિયાનાં ગામડાંઓ અને શહેરોમાં સામાન્ય જનતા ઠુંઠવાઈને મરી રહી છે. ઈઝરાઈલ અને ગાઝાપટ્ટી ઉપર છેલ્લા એક વર્ષમાં લાખો બાળકો અને સ્ત્રીઓ કાટમાળમાં દટાઈ મુવાં છે. અમેરિકા તકનીકી બળના આધારે તેલ ઉત્પાદક રાષ્ટ્રો ઉપર જોહુકમી આચરી રહ્યું છે. આપણા દેશમાં મણિપુરમાં હજારો કુકીઝ (જાતિ) સમુદાયની વસાહતો બળીને ખાખ થઈ છે. આપણા ગામના સીમાડે રેલ દુઘર્ટના કે પછી ભ્રષ્ટાચારની બાંગ પોકારતા ખરાબ રસ્તાઓમાં અકસ્માતથી મૃત્યુ પામેલાં કે અપાહિજ બનેલાં નાગરિકોની સંખ્યા હજારોમાં જાય છે. તેમ છતાં કોઈ સામુહિક અવાજ બનીને બહાર આવી રહ્યું નથી. આંતરરાષ્ટ્રીય સીમાડાઓથી લઈ ઘર આંગણા સુધી માનવતાના મૃત્યુઘંટ સમાન અસંખ્ય ઘટનાઓ પાછળ કોઈ એક ખામી હોય તો રાજય-શાસકો ઉપર સત્ત્વશીલ દબાણ જૂથનો અભાવ છે.

વર્ષ ૧૭૮૦ એટલે કે આજથી ૨૪૪ વર્ષ પહેલાં ભારતમાં બંગાળ ગેજેટસ નામે અઠવાડિક શરૂ થયું. ૬૦ વર્ષ પહેલાં દૂરદર્શનથી સમાચાર પ્રસારણનો ઈતિહાસ અત્યંત સશક્ત છે. રાજા રામમોહનરાય, લોકમાન્ય ટિલકથી લઈ ગુજરાતમાં કાકા કાલેલકર સુધી પત્રકારત્વનો વારસો મજબૂતાઈથી ઊભો છે. વર્ષ ૧૮૨૨થી ‘મુંબઈ સમાચાર અને વર્ષ ૧૮૬૩થી ‘ગુજરાતમિત્ર’  આજ દિન સુધી કાર્યરત છે અને ગુજરાતી ભાષાનો મિજાજ વ્યક્ત કરે છે.

એટલું જ નહીં પણ સ્વતંત્રતા પૂર્વે ૧૮૯૦માં ત્રાવણકોર દિવાનની જોહુકમી હોય કે ૧૯૪૨માં પત્રકાર તરીકે મહાત્મા ગાંધીની હાકલ હોય, પત્રકારોએ ઈમરજન્સી, ભોપાલ દુર્ઘટના કે પછી ગોધરા હત્યાકાંડમાં નિર્ણયાત્મક ભૂમિકા ભજવી દેશના બંધારણનું સન્માન જાળવ્યું છે ત્યારે વિચારીએ કે મૂડીનું રોકાણ કરી રાજકીય પક્ષોની છત્રછાયામાં ગોઠવાતાં પ્રજાનાં પ્રતિનિધિઓ અને બંધારણીય રીતે જે સરકાર છે તેવા અમલદારોના સ્વાર્થી હિતોમાંથી સર્જાતા પારાવાર પ્રશ્નોમાં પ્રજા અટવાઈ રહી છે.

માનવીય મૂલ્યોના સામુહિક ધ્વંસ અને ભ્રષ્ટ વાતાવરણ વચ્ચે માત્ર અને માત્ર મીડિયા દબાણ જૂથ તરીકે સામનો કરી શકે તેવી તાકાત ધરાવે છે. ભવ્ય ભૂતકાળ ધરાવે છે. લોકશાહીમાં તો પ્રજા પાંચ વર્ષે એક વાર મત દ્વારા પોતાની વાત મૂકવા હકદાર છે. પરંતુ આજે સ્વાર્થી શાસકો પ્રજાને જ્ઞાતિ, જાતિ અને રેવડીની લાલચ આપી કલ્યાણની દિશા તરફ જતાં રોકી રહી છે ત્યારે બંધારણીય રાષ્ટ્રહિતનું રક્ષણ તો મીડિયાના દબાણથી જ શક્ય બનતું દેખાય છે. લોકશાહીના ચોથા આધારસ્તંભ સમાન પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કોમન એજંડા તરીકે બંધારણીય હિતોનું રક્ષણ કરવા આગળ આવે તે સમયની માંગ બને છે અને પ્રજા તરીકે વાચક પણ બંધારણીય અહિતથી પોતાની જાતને અળગી ન રાખવી તેને પોતાની ફરજ જાણે તેવો સમયનો તકાજો ઉદ્ભવ્યો  છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top