Entertainment

‘રાગિણી 3’માં તમન્ના-જુનૈદની ફ્રેશ જોડી સાથે દેખાશે, શશાંક ઘોષ કરશે દિગ્દર્શન

બોલિવુડની લોકપ્રિય હોરર ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘રાગિની’ હવે લાંબા સમય બાદ ફરી એકવાર દર્શકોને ડર અને થ્રિલનો અનુભવ કરાવવા પરત આવી રહી છે. ‘રાગિની 3’ને લઈને છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચા ચાલી રહી હતી અને હવે ફિલ્મ સાથે જોડાયેલા અનેક મોટા અપડેટ્સ સામે આવ્યા છે. ફિલ્મમાં અભિનેત્રી તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે તેમની સામે અભિનેતા જુનૈદ ખાન લીડ રોલમાં હશે. સાથે જ હવે સલમાન ખાનના બનેવી અને અભિનેતા આયુષ શર્માની પણ ફિલ્મમાં એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું છે.

આ ફિલ્મનું નિર્દેશન જાણીતા ફિલ્મમેકર શશાંક ઘોષ કરશે. તેઓ અગાઉ ‘ખૂબસુરત’ અને ‘વીરે દી વેડિંગ’ જેવી સફળ ફિલ્મો માટે જાણીતા છે. શરૂઆતમાં આ પ્રોજેક્ટનું દિગ્દર્શન સાહિર રઝા કરવાના હતા, પરંતુ શેડ્યૂલના કારણે તેઓ આ ફિલ્મથી અલગ થઈ ગયા હતા. ત્યારબાદ ફિલ્મની જવાબદારી શશાંક ઘોષને સોંપવામાં આવી છે અને હવે ફિલ્મ પર ઝડપથી કામ શરૂ થઈ ગયું છે. ‘રાગિની 3’ આ વખતે અગાઉની ફિલ્મોની હોરર-ઇરોટિક સ્ટાઇલથી અલગ જોવા મળશે. મેકર્સ ફિલ્મને એક હાઈ-કોન્સેપ્ટ સુપરનેચરલ થ્રિલર તરીકે તૈયાર કરી રહ્યા છે. ફિલ્મમાં હોરર સાથે કોમેડી, સસ્પેન્સ અને અલૌકિક તત્વોનું અનોખું મિશ્રણ જોવા મળશે. અહેવાલો મુજબ, મેકર્સ દર્શકોને એક અનોખો ડેટ નાઇટ હોરર અનુભવ આપવા માંગે છે, જેમાં રોમાન્સ અને થ્રિલ બંનેનો તડકો હશે.

ફિલ્મનું નિર્માણ એક્તા કપૂરની બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એક્તા કપૂરની ‘રાગિની’ ફ્રેન્ચાઇઝી પહેલાથી જ યુવાનોમાં ખૂબ લોકપ્રિય રહી છે અને હવે ત્રીજા ભાગને લઈને પણ ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરમાં એવી પણ માહિતી સામે આવી છે કે અભિનેત્રી નરગિસ ફખરી પણ ફિલ્મનો ભાગ બની ગઈ છે. રિપોર્ટ્સ મુજબ, નરગિસ ફિલ્મમાં એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવશે. બીજી તરફ, આયુષ શર્માને ફિલ્મમાં મહત્વપૂર્ણ રોલ આપવામાં આવ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે ફિલ્મમાં તમન્ના ભાટિયા, જુનૈદ ખાન અને આયુષ શર્મા વચ્ચે રોમેન્ટિક એંગલ પણ જોવા મળશે, જે ફિલ્મને વધુ રસપ્રદ બનાવશે.

તમન્ના ભાટિયા હાલમાં પોતાની કારકિર્દીના વ્યસ્ત તબક્કામાં છે. તે છેલ્લે ‘ઓડેલા 2’માં જોવા મળી હતી અને હવે તેની આગામી ફિલ્મ ‘વન’ની પણ ભારે ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. ખાસ વાત એ છે કે આ વર્ષે એક્તા કપૂરની બે મોટી ફિલ્મોમાં તમન્ના લીડ રોલમાં જોવા મળશે. જુનૈદ ખાન માટે પણ ‘રાગિની 3’ ખૂબ મહત્વની ફિલ્મ સાબિત થઈ શકે છે. નવી પેઢીના અભિનેતા તરીકે તેઓ પોતાની અલગ ઓળખ બનાવવાના પ્રયાસમાં છે. હવે તમન્ના અને આયુષ સાથે તેમની સ્ક્રીન પ્રેઝન્સ કેટલી સફળ થાય છે તે જોવું રસપ્રદ રહેશે. હાલમાં ફિલ્મ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે અને જુલાઈ 2026થી તેનું શૂટિંગ શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top