સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પથ્થરમારો, પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત
સાવલી: સાવલી તાલુકાના મેવલિયાપુરા ગામમાં દરબાર સમાજ અને ભોઈ સમાજ વચ્ચે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગામમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. બંને પક્ષ સામસામે આવી જતા પથ્થરમારો અને ધીંગાણું સર્જાયું હતું, જેમાં પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સાવલી જનમોત્રી ચિકિત્સા કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ બપોરના સમયે ગામમાં નીકળેલા વરઘોડા દરમિયાન કોઈ સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી. શરૂઆતમાં મામલો બોલાચાલી સુધી મર્યાદિત રહ્યો હતો, પરંતુ સાંજના સમયે પરિસ્થિતિ વધુ વણસી હતી. બંને સમાજના લોકો સામસામે આવી જતા ભારે પથ્થરમારો શરૂ થયો હતો.
પ્રાથમિક વિગતો મુજબ ભોઈ સમાજના કેટલાક લોકો દ્વારા દરબાર સમાજના મકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ઉપરાંત મારક હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. અથડામણ દરમિયાન સમગ્ર ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વીજળી ગુલ થઈ જતા લોકોમાં વધુ ભય ફેલાયો હતો.
ઘટનાની જાણ થતા જ સાવલી, ભાદરવા તેમજ જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક મેવલિયાપુરા ગામે પહોંચી ગયો હતો. પોલીસે બંને પક્ષોને સમજાવી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની દરમિયાનગીરી બાદ હાલ મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
હાલ સમગ્ર મેવલિયાપુરા ગામમાં અજંપાભરી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર: વિમલ પટેલ