સુરતના કીમ રેલવે સ્ટેશન પર 2018માં થયેલી એક દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે માતાના ગર્ભમાં જ મૃત્યુ પામેલા બાળકના પરિવારને 8 લાખ રૂપિયાનું વળતર 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે. ગુજરાતના રેલવે ઇતિહાસમાં આ પ્રકારનો આ પહેલો કેસ માનવામાં આવી રહ્યો છે. મૂળ મધ્યપ્રદેશના જયપ્રકાશ ઘસીટાલાલ પોતાની પત્ની ઉષાબેન અને પરિવારના અન્ય સભ્યો સાથે કાનપુર જવા માટે કીમ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. 14 એપ્રિલ 2018ના રોજ તેઓ ટ્રેનમાં ચડતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 9 મહિનાની ગર્ભવતી ઉષાબેનનું મોત થયું હતું. તેમના ગર્ભમાં રહેલું બાળક પણ બચી શક્યું નહોતું.
આ મામલે મૃતક મહિલાના પતિએ રેલવે ટ્રિબ્યુનલમાં બે અલગ-અલગ વળતરના દાવા કર્યા હતા. ટ્રિબ્યુનલે મહિલાના મોત બદલ 8 લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું, પરંતુ ગર્ભમાં રહેલા બાળક માટે વળતર આપવાનો ઇનકાર કર્યો હતો. ટ્રિબ્યુનલનું કહેવું હતું કે ગર્ભસ્થ બાળકને કાયદાકીય રીતે વ્યક્તિ તરીકે ગણાવી શકાય નહીં. આ નિર્ણય સામે પરિવારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરિવારમાંથી વકીલ નીતિન કાપડેએ દલીલ કરી હતી કે પાંચ મહિનાથી વધુનો ગર્ભ કાયદાકીય રીતે વ્યક્તિ તરીકે ગણાય છે અને તેને સ્વતંત્ર ઓળખ હોવી જોઈએ.
હાઇકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ પરિવારની દલીલો સ્વીકારી અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે ગર્ભમાં રહેલા બાળકને પણ સ્વતંત્ર ઓળખ અને અધિકાર છે. તેથી રેલવેને બાળકના પિતાને 8 લાખ રૂપિયા સાથે 9 ટકા વ્યાજ ત્રણ અઠવાડિયામાં ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ચુકાદાને ગુજરાતના રેલવે ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.