ગાંધીનગર,
રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સ્થિત અંબા ટાઉનશીપ – ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં રાજ્યના વિવિધ ઝોનની શ્રેષ્ઠ વહીવટી પદ્ધતિઓ (Best Practices), આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અને આદિવાસી જમીન હકો જેવા મહત્વના વિષયો પર ગહન મનોમંથન કરવામાં આવ્યું હતું.મહેસૂલ વિભાગ દ્વારા આયોજિત ‘ચિંતન શિબિર’માં રાજ્યના વિવિધ ઝોનના સુશાસન મોડેલ અને શ્રેષ્ઠ વહીવટી કામગીરીઓનું પ્રેઝન્ટેશન રજૂ થયું, જેમાં ટેકનોલોજી આધારિત પારદર્શિતા, કડક કાયદાકીય અમલીકરણ અને લોકકેન્દ્રી અભિગમને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન તરફથી અનિલ રાણાવસિયાએ જિલ્લાઓની સિદ્ધિઓ રજૂ કરતાં જણાવ્યું કે કડક કાર્યવાહી દ્વારા હજારો કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ છે. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે સર્જિકલ સ્ટ્રાઈક કરીને ૧૫,૦૦૦ મેટ્રિક ટન કોલસો જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાં મેગા ડિમોલિશન દ્વારા અબજો રૂપિયાની સરકારી મિલકતો પરના ગેરકાયદે કબજાઓ દૂર કરાયા છે. જામનગરમાં GIS ટેકનોલોજી અને બોટાદમાં “Connect @ Botad Podcast” જેવી પહેલોથી વહીવટ વધુ લોકોમૈત્રી બન્યો છે.
મધ્ય ગુજરાતના સત્રમાં વડોદરા કલેકટર અનિલ ધામેલિયાએ એક જ વર્ષમાં ૨૦,૦૦૦થી વધુ રેવન્યુ કેસોના નિકાલની સિદ્ધિ રજૂ કરી. આણંદ જિલ્લામાં QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ અને ગ્રામસભા દ્વારા સીધો જનસંપર્ક સ્થાપિત કરવાની પહેલને વિશેષ પ્રશંસા મળી.
ઉત્તર ઝોનમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગર સહિતના જિલ્લાઓએ ડિજિટલીકરણ અને ઝડપી નિકાલથી નવો બેન્ચમાર્ક ઉભો કર્યો છે. સંતૃપ્તિ અભિયાન, ODK ડિજિટલ સર્વે, સુઓમોટો નોંધ અને સેવા-સેતુ ૨.૦ જેવી પહેલોથી લાખો લાભાર્થીઓ સુધી સરકારી સેવાઓ પહોંચાડી શકાય છે.
ચિંતન શિબિરમાં આદિવાસી વિસ્તારોના જમીન હકો મુદ્દે દાહોદ કલેકટર યોગેશ નિરગુડેએ સમયાનુકૂલ કાયદાકીય સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, ખાસ કરીને કલમ 73-Aની પ્રક્રિયા સરળ બનાવવા સૂચન કર્યું હતું.નિરગુડેએ કહયું હતું કે આદિવાસી વ્યક્તિએ પોતાની જમીન અન્ય આદિવાસીને વેચવા માટેની સત્તા કલેક્ટર સ્તરે સુદ્રઢ કરવી જોઈએ.આદિવાસી જમીન કાયદાઓનો દર ૧૦ વર્ષે નિષ્ણાત સમિતિ દ્વારા રિવ્યુ થવો જોઈએ જેથી આર્થિક વિકાસ ઝડપી બને.
મહેસૂલ વહીવટમાં પારદર્શિતા લાવવા અને જમીન વ્યવસ્થાપનને વધુ સુરક્ષિત બનાવવા માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ચિંતન શિબિરમાં IIT ગાંધીનગરના પ્રોફેસર સમીર કુલકર્ણીએ જણાવ્યું હતું કે, બ્લોકચેન ટેકનોલોજી જમીનના રેકોર્ડ્સને ‘ટેમ્પર-પ્રૂફ’ બનાવી શકે છે, જેનાથી એકવાર ડેટા એન્ટર થયા બાદ તેમાં અનધિકૃત છેડછાડ અશક્ય બની જશે અને છેતરપિંડી અટકાવી શકાશે. આ સાથે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા જટિલ લેન્ડ રેકોર્ડ્સનું ઝડપી વિશ્લેષણ, સેટેલાઇટ ઇમેજરી દ્વારા દબાણોની ત્વરિત ઓળખ અને દસ્તાવેજોમાં રહેલી શંકાસ્પદ વિગતોને પકડી પાડવી શક્ય બનશે. બીજી તરફ, ISROના નિષ્ણાત પંકજ બોડાણીએ જીઆઈએસ (GIS) અને રિમોટ સેન્સિંગ તકનીકો દ્વારા લેન્ડ યુઝ મેપિંગ, કૃષિ જમીનનું વર્ગીકરણ અને શહેરી વિકાસના આયોજનમાં સચોટતા લાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આમ, AI, બ્લોકચેન અને GIS જેવી ટેકનોલોજીના સમન્વયથી મહેસૂલી પ્રક્રિયામાં અભૂતપૂર્વ પારદર્શિતા અને ચોકસાઈ લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
મહેસૂલ ચિંતન શિબિરના દ્વિતીય દિવસે અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી એસ. રવિની ઉપસ્થિતિમાં મહેસૂલી સેવાઓને વધુ લોકાભિમુખ બનાવવા માટે સાત વિવિધ જૂથોમાં ગહન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ જૂથ ચર્ચાઓમાં જમીનના ઉપયોગ (CLU) માં ફેરફાર અને મ્યુટેશન જેવી પ્રક્રિયાઓને ઓપ્ટિમાઇઝ કરવા, પેપરલેસ અને ફેસલેસ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન સિસ્ટમ તથા RCCMS ને વધુ સુદ્રઢ બનાવવા અને શહેરી જમીન રેકોર્ડ વ્યવસ્થાપન જેવા મહત્વના વિષયો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મહેસૂલ શાસનમાં પ્રામાણિકતા અને નીતિશાસ્ત્ર, સર્વેક્ષણ પ્રક્રિયાનું આધુનિકીકરણ, સરકારી કર્મચારીઓ માટે આપત્તિ તૈયારીની વ્યૂહરચનાઓ તેમજ જમીન સંપાદન અને ફાળવણીમાં રહેલા પડકારો અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરીને મનોમંથન કરવામાં આવ્યું હતું. આ શિબિરના નિષ્કર્ષો આગામી સમયમાં મહેસૂલી કાર્યપદ્ધતિને આધુનિકતા સાથે વધુ સુગ્રથિત અને પારદર્શક બનાવવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે.
‘વન સ્ટેટ, વન એક્ટ, વન રૂલ’ તરફ ગુજરાતના મક્કમ ડગ
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને જટિલ કાયદાઓને સરળ બનાવવાના ઉમદા હેતુથી ‘વન સ્ટેટ, વન એક્ટ, વન રૂલ’ની સંકલ્પના સાકાર કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આયોજિત ચિંતન શિબિરના સ્પેશ્યલ સેશનમાં સી.એલ. મીના સમિતિ અને જે.કે. અસ્તિક સમિતિની મહત્વની ભલામણો પર ગહન મંથન કરવામાં આવ્યું હતું. આ સમિતિઓએ જૂના અને અપ્રસ્તુત મહેસૂલી કાયદાઓ તથા અસંખ્ય પરિપત્રોને રદ કરી તેના સ્થાને એક જ આધુનિક, સંકલિત અને સર્વગ્રાહી કાયદો તૈયાર કરવાની ભલામણ કરી છે. જમીન મહેસૂલ સંબંધિત વિવિધ જટિલ કાયદાઓને એક જ સંકલિત માળખામાં પરિવર્તિત કરવાથી વહીવટી તંત્રમાં એકસૂત્રતા આવશે, કાયદાના અર્થઘટનમાં થતી ગેરસમજો દૂર થશે અને વર્ષો સુધી ચાલતા મહેસૂલી વિવાદો તથા લિટિગેશનમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ નવતર અભિગમ “Ease of Doing Business” તેમજ “Ease of Living” ને વેગ આપી સામાન્ય નાગરિકો માટે પ્રક્રિયા વધુ પારદર્શક બનાવશે અને ગુજરાતને ભૂમિ વહીવટના ક્ષેત્રમાં દેશનું મોડેલ રાજ્ય બનાવવામાં મદદરૂપ થશે.