અમદાવાદ : અમદાવાદ શહેરના વટવા વિસ્તારના બીબી તળાવ રોડ પર મોડી રાત્રે અચાનક રસ્તો બેસી જતા મોટો ભુવો પડ્યો હતો, જેમાં એક બાઈક સવાર યુવક પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમ યુવકને રેસ્કયુ કર્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ, શહેરના વટવા વિસ્તારના બીબી તળાવ રોડ પર મોડી રાત્રે મોટો ભૂવો પડ્યો હતો. જ્યાં અંકિત યાદવ નામનો યુવક પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક બાઈક સાથે ખાડામાં પડ્યો હતો. આ ઘટનાથી આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક સાવચેતી રાખીને ભુવાની આસપાસ બેરિકેડ્સ ગોઠવી પોલીસ અને પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતાં બંને ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી.
જેમાં ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ દોરડાની મદદથી ઊંડા ખાડામાં ફસાયેલા યુવકને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેની બાઈકને પણ સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. ઇજાગ્રસ્ત અંકિતને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સદનસીબે આ દુર્ઘટનામાં યુવકનો જીવ બચી ગયો છે, પરંતુ આ ઘટનાએ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા છે.