Vadodara

વડોદરા : શેર માર્કેટમાં રોકાણના બહાને નિવૃત્ત મેનેજર સાથે રૂપિયા 1 કરોડની ઠગાઈ


નકલી SEBI સર્ટિફિકેટ અને બનાવટી વેબસાઈટ તેમજ શરૂઆતમાં નફાની રકમ પરત આપી વિશ્વાસ કેળવ્યો

વેબસાઈટમાં બતાવતા 1.53 કરોડમાંથી રકમ ઉપાડવા માટે વધુ રૂપિયા ભરવાનું દબાણ કરતાં ભાંડો ફૂટ્યો

વડોદરા, તા.30
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત અધિકારી સાથે શેર માર્કેટમાં ઊંચા નફાની લાલચ આપી ઠગોએ આશરે રૂ. 1 કરોડની મોટી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી. વોટ્સએપ ગ્રુપ, નકલી SEBI સર્ટિફિકેટ અને બનાવટી વેબસાઈટ મારફતે આરોપીઓએ વિશ્વાસમાં લીધા બાદ ખેલ પાડ્યો હતો. વધુ રૂપિયાની માંગણી કરતા નિવૃત્ત કર્મચારીને તેમની સાથે ફ્રોડ થયો હોવાનો અનુભવ થયો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી કામાક્ષી હાઇટ્સમાં રહેતા રાકેશભાઈ દિનેશભાઈ દેસાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અગાઉ દહેજ સ્થિત એક કેમિકલ કંપનીમાં એડિશનલ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે.
ગત 14 નવેમ્બર ના રોજ તેમના મોબાઈલ નંબરને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપમાં શેર માર્કેટમાં રોકાણ અંગે સલાહ આપવામાં આવતી હતી. સીનીયર સીટીઝને તેમાં “Marico Results Expectations” અંગે પૂછપરછ કરતા અજાણ્યા નંબર પરથી સંપર્ક કરી તેમને રોકાણ માટે લલચાવવામાં આવ્યા હતા.
પછી તેમને અન્ય વોટ્સએપ ગ્રુપ જેવા કે “ARES VIP GROUP (Rakesh)” અને “B105 Wealth Growth Strategy” માં જોડવામાં આવ્યા હતા. જ્યાં સતત રોકાણ અંગે માર્ગદર્શન આપવામાં આવતું હતું.
નકલી વેબસાઈટ અને SEBI સર્ટિફિકેટ મોકલી આરોપીઓએ તેમને વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવડાવ્યું હતું, જેમાં તેમના નામ, પાન કાર્ડ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી લેવામાં આવી હતી.
વેબસાઈટમાં રોકાણ માટે અલગ-અલગ બેંક ખાતાઓ આપવામાં આવતા હતા અને તે ખાતાઓ SEBI રજીસ્ટર્ડ હોવાનું જણાવી નકલી પ્રમાણપત્રો પણ મોકલવામાં આવ્યા હતા.
વૃદ્ધે વિશ્વાસમાં આવી અલગ-અલગ હપ્તામાં આશરે રૂ. 1 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. વેબસાઈટમાં તેમના ખાતામાં રૂ. 1.53 કરોડ જેટલો નફો બતાવવામાં આવ્યો હતો.
પ્રોફિટ બતાવી વિશ્વાસ જીત્યો, પછી રૂપિયા અટકાવ્યા આરોપીઓએ શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે ફરિયાદીને રૂ.10 હજાર પ્રોફિટ તરીકે પરત પણ આપ્યા હતા. પરંતુ ત્યારબાદ જ્યારે વૃદ્ધે મોટી રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે વિવિધ બહાના બનાવી વધુ રોકાણ કરવા દબાણ કરવામાં આવ્યું હતું. જેથી તેમને તેની સાથે ફ્રોડ થયો હોવાની શંકા જતા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે અનેક મોબાઈલ નંબરો તથા સંબંધિત બેંક ખાતાધારકો અને વેબસાઈટ સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top