Gujarat

ગુજરાતમાં પર્યટકો માટે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો શરૂ થશે

ગાંધીનગર: ગુજરાતના મુખ્ય પ્રવાસન સ્થળોએ આવતા દેશ-વિદેશના પર્યટકોને વધુ સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ આપવા માટે રાજ્ય પોલીસ વિભાગે મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ જિલ્લામાં આધુનિક ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’ સ્થાપવાની યોજના પર મંજૂરી આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકાનારી આ પહેલનો મુખ્ય હેતુ માત્ર કાયદો-વ્યવસ્થા જાળવવાનો નહીં, પરંતુ પ્રવાસીઓને સુરક્ષિત અને મિત્રસભર અનુભવ પ્રદાન કરવાનો છે.

પ્રથમ તબક્કામાં ગીર સોમનાથ જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો અને ડાંગ જિલ્લોમાં આ પ્રોજેક્ટ શરૂ થશે. જ્યાં પહેલેથી પોલીસ ચોકીઓ કાર્યરત છે, ત્યાં જ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને તેને અત્યાધુનિક ટુરિસ્ટ પોલીસ સ્ટેશનમાં રૂપાંતરિત કરવામાં આવશે.પ્રવાસીઓને સરળતાથી પોલીસ મદદ મળી રહે તે માટે ખાસ યુનિફોર્મ અને વાહનો માટે અનન્ય લોગો ડિઝાઇન કરવામાં આવશે. સાથે જ મુખ્ય પ્રવાસન સ્થળોએ ‘હેલ્પ ડેસ્ક’ અને ‘કિયોસ્ક’ ઉભા કરી તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવશે.

‘ઇન્ટરેક્ટિવ ટુરિસ્ટ પોલીસ એપ્લિકેશન’ પણ વિકસાવાશે
ડિજિટલ સુવિધાઓને ધ્યાનમાં રાખીને એક સેન્ટ્રલ ‘ઇન્ટરેક્ટિવ ટુરિસ્ટ પોલીસ એપ્લિકેશન’ પણ વિકસાવવામાં આવશે, જેના માધ્યમથી પ્રવાસીઓને માહિતી અને સુરક્ષા સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. બેઠકમાં દરેક ટુરિસ્ટ પોલીસ સ્ટેશનમાં પૂરતા માનવબળ, નવા વાહનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂકાયો હતો. ડૉ. રાવે જણાવ્યું હતું કે, આ પહેલ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વધુ સુરક્ષિત અને આકર્ષક બનાવશે.

Most Popular

To Top