બોરવેલ મોટર બંધ હોવાના કારણે પાણીની અછત, ફાયર ટીમને આસપાસની કંપનીઓમાંથી પાણી લાવવું પડ્યું
ફાયર સેફટી વ્યવસ્થાની ગંભીર ખામીઓ અંગે તપાસની માંગ ઉઠી
કરજણ | તા. 29 એપ્રિલ 2026
કરજણના જીથરડી રોડ પર આવેલી કાનમ પેપર મિલમાં આજે સાંજે અંદાજે 4 વાગ્યાના આસપાસ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગ્યાના આશરે 6 કલાક બાદ પણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નહોતો, જેના કારણે વિસ્તારમાં ચિંતા અને અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગ્યા બાદ કરજણ ફાયર સેફટીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે મિલ પરિસરમાં પૂરતી પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી આગ નિયંત્રણમાં લેવા મુશ્કેલી પડી રહી હતી. સ્થળ પર જરૂરી બોરવેલની વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ મિલ સંચાલન તરફથી જણાવાયું હતું કે બોરવેલની મોટર ખરાબ થઈ ગઈ છે.
મોટર ક્યારેથી બગડી હતી અને તેની મરામત કેમ કરવામાં આવી નહોતી તે હવે તપાસનો વિષય બન્યો છે. આ કારણસર ફાયર સેફટીના જવાનોને આસપાસની અન્ય કંપનીઓમાંથી પાણી મંગાવી આગ બુઝાવવાની કામગીરી કરવી પડી રહી છે, જેના કારણે કામગીરીમાં વિલંબ થયો હતો.
સ્થાનિક સૂત્રો મુજબ, મિલમાં આગ કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ પેપર મિલમાં રહેલા જ્વલનશીલ સામાનના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ઘટનાને પગલે મિલમાં આગ સલામતી સંબંધિત નિયમોનું પાલન થયું હતું કે નહીં તે અંગે પણ સવાલો ઊભા થયા છે.
આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી હજુ સુધી સામે આવી નથી, પરંતુ મિલમાં મોટાપાયે આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે ફાયર સેફટી વ્યવસ્થાની ખામીઓ અંગે તપાસ કરવાની માંગ ઉઠી રહી છે.
રિપોર્ટર: મુકેશ અઠોરા