
ચીનની સ્ટાર્ટઅપ કંપની ડીપસીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ શુક્રવારે તેના ફ્લેગશિપ એઆઈ મોડલ DeepSeek V-4ને લોન્ચ કર્યું છે. આ લોન્ચિંગને ચીનના ટેક ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે હવે ચીન પોતાની ઘરેલુ હાર્ડવેર ટેકનોલોજી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ડીપસીકનો આ નવો મોડલ એઆઈ માર્કેટમાં અમેરિકા સ્થિત કંપનીઓ જેવી કે OpenAI અને Google સાથે સીધી સ્પર્ધા કરશે. અગાઉ લોન્ચ થયેલ ડીપસીકના R-1 મોડલે તેની ઓછા ખર્ચે ઊંચી કાર્યક્ષમતા માટે વિશ્વભરમાં ચર્ચા ઉભી કરી હતી. હવે V-4 મોડલ આ સફળતાને આગળ વધારવાનો પ્રયાસ છે. DeepSeek V-4 સીરીઝમાં બે મુખ્ય મોડલ રજૂ કરવામાં આવ્યા છે. V-4 Pro અને V-4 Flash. V-4 Pro મોડલ ખાસ કરીને જટિલ કામો, સચોટ ગણતરી અને ડીપ એનાલિસિસ માટે બનાવવામાં આવ્યો છે. બીજી તરફ, V-4 Flash મોડલ ઝડપ અને ઓછા ખર્ચ માટે ઓળખાય છે, જે સામાન્ય ઉપયોગ માટે વધુ અનુકૂળ રહેશે.
આ બંને મોડલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ એક સાથે લગભગ 10 લાખ શબ્દો જેટલી લાંબી માહિતી વાંચી અને સમજી શકે છે. આ ક્ષમતા તેમને લાંબા દસ્તાવેજો, રિપોર્ટ્સ અને ડેટા એનાલિસિસ માટે અત્યંત શક્તિશાળી બનાવે છે. માહિતી યાદ રાખવાની તેમની ક્ષમતા Googleના Gemini મોડલ સાથે ટક્કર આપે છે, જે AI ક્ષેત્રમાં મોટો માઇલસ્ટોન માનવામાં આવે છે. ટેક નિષ્ણાતોનું માનવું છે કે DeepSeek V-4ના આગમનથી AI ક્ષેત્રમાં સ્પર્ધા વધુ તેજ બનશે અને યુઝર્સને વધુ સસ્તા અને અસરકારક વિકલ્પો મળશે. ખાસ કરીને, ઓછા ખર્ચે હાઈ પરફોર્મન્સ મોડલ ઉપલબ્ધ કરાવવું એ ડીપસીકની સૌથી મોટી શક્તિ બની શકે છે.