અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા ભારત અને ચીન વિશે કરવામાં આવેલી “Hell-Hole” ટિપ્પણી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ ઊભો થયો છે. આ નિવેદન સામે હવે ઈરાન તરફથી પણ કટાક્ષભર્યો પ્રતિસાદ આવ્યો છે. ઈરાનના મુંબઈ સ્થિત કોન્સ્યુલેટે ટ્રમ્પને “cultural detox” કરવાની સલાહ આપતાં કહ્યું – “કભી ઈન્ડિયા આ કે દેખો, પછી બોલો.”
ઈરાનના મુંબઈ સ્થિત કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મહારાષ્ટ્રની સાંસ્કૃતિક અને ભૌગોલિક વૈવિધ્ય દર્શાવતો વિડિયો શેર કર્યો અને જણાવ્યું કે ટ્રમ્પે ભારતની સંસ્કૃતિને સમજવા માટે “એક તરફી cultural detox ટ્રિપ” કરવાની જરૂર છે.
‘Hell-Hole’ નિવેદનથી શરૂ થયો વિવાદ
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ટ્રમ્પે અમેરિકામાં જન્માધિકાર નાગરિકતા કાયદા અંગે ચર્ચા દરમિયાન એક પોસ્ટ ફરી શેર કરી, જેમાં ભારત અને ચીન જેવા દેશોને “hell-holes” તરીકે સંબોધવામાં આવ્યા હતા. આ નિવેદનને અનેક દેશોએ અપમાનજનક ગણાવ્યું હતું. આ પોસ્ટમાં એવું પણ કહેવાયું હતું કે કેટલાક દેશોના લોકો અમેરિકામાં આવી જન્મા ધિકાર કાયદાનો લાભ લે છે. આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે પ્રતિક્રિયા જોવા મળી હતી.
ભારતનો સખત પ્રતિસાદ
ભારતના વિદેશ મંત્રાલયે પણ આ નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. મંત્રાલયના પ્રવક્તા Randhir Jaiswalએ કહ્યું કે આવા નિવેદનો “અજ્ઞાનપૂર્ણ, અનુચિત અને અભદ્ર” છે અને તે ભારત-અમેરિકા સંબંધોની વાસ્તવિકતા દર્શાવતા નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પરસ્પર સન્માન અને સહભાગી હિતો પર આધારિત રહ્યા છે, તેથી આવા નિવેદનો બંને દેશોના સંબંધોને પ્રતિબિંબિત કરતા નથી.
અમેરિકી દૂતાવાસનું સ્પષ્ટીકરણ
વિવાદ વધયા બાદ અમેરિકી દૂતાવાસે સ્પષ્ટતા કરી હતી કે ટ્રમ્પ ભારતને “મહાન દેશ” માને છે અને ભારતના વડાપ્રધાન સાથે તેમના સારા સંબંધો છે. આ નિવેદનને નુકસાન નિયંત્રણ તરીકે જોવામાં આવી રહ્યું છે. ઈરાન તરફથી આપવામાં આવેલ “cultural detox” ટિપ્પણી બાદ આ મુદ્દો આંતરરાષ્ટ્રીય રાજનૈતિક ચર્ચાનો વિષય બની ગયો છે અને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા ચાલી રહી છે.