Gujarat

પ્રચાર બંધ, 26,196 ઉમેદવાર વચ્ચે જંગ

ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિમાં, હવે 26મી એપ્રિલે મતદાન પર સૌની નજર

ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો શિખરે પહોંચ્યો છે. તા. 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી ચૂંટણી માટે આજે સાંજે 6 વાગ્યે પ્રચાર પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. હવે તમામ રાજકીય પક્ષો અંદરની ગોઠવણમાં વ્યસ્ત બન્યા છે અને મતદારોને રિઝવવા છેલ્લી ઘડીના પ્રયાસો તેજ બન્યા છે.

ચૂંટણી પહેલા જ ભાજપે બિનહરીફ જીતથી પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. ભાજપના દાવા મુજબ કુલ 10,005 બેઠકોમાંથી 724 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજય મેળવી ચૂક્યો છે. તાલુકા પંચાયતની 252 અને જિલ્લા પંચાયતની 52 બેઠકો પર મળેલું સમર્થન ભાજપને અન્ય પક્ષો સામે આગળ રાખે છે. નગરપાલિકાઓમાં 276 બેઠકો બિનહરીફ રહી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં એકપણ બેઠક બિનહરીફ ન રહેતા જોરદાર મુકાબલો નિશ્ચિત બન્યો છે.
મતદાન માટે રાજ્યભરમાં વિશાળ મતદારો તૈયાર છે. 15 મહાનગરપાલિકાઓમાં આશરે 1.10 કરોડ, 84 નગરપાલિકાઓમાં 33 લાખ અને જિલ્લા-તાલુકા પંચાયતોમાં 2.74 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 2021ની સરખામણીએ આ વખતે મતદાન ટકાવારીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.આ વધારા પાછળ SIR પ્રક્રિયા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રાજ્યમાં લગભગ 73.73 લાખ મતદારોના નામ દૂર થતા કુલ મતદારોની સંખ્યા 5.08 કરોડમાંથી ઘટીને આખરી મતદાર યાદીમાં 4.34 કરોડ થઈ છે, જેમાં વાંધા સૂચનો મેળવ્યા બાદ મતદારોની સંખ્યા વધીને આખરે 4.40 કરોડ થવા પામી છે. જેના કારણે મતદાનની ટકાવારી ઊંચી રહેવાની શક્યતા છે.2021માં છ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સરેરાશ ૪૬.૧% મતદાન નોંધાયું હતું. જે આવનારી ચૂંટણીમાં વધે તેવી શક્યતા છે.

ચૂંટણીના દિવસે ગરમી પણ મોટુ પરિબળ પુરવાર થઈ શકે છે. હવામાન વિભાગે 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે મતદાન સમય અને વ્યવસ્થા બંને મહત્વપૂર્ણ બનશે.
બીજી તરફ, ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ બનાવવા ગુજરાત પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ 1 લાખથી વધુ સુરક્ષા જવાનો તૈનાત રહેશે, જેમાં 59,525 હોમગાર્ડ-જીઆરડી અને 41,383 વધારાની પોલીસ ફોર્સ સામેલ છે.સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ, સરહદો પર કડક ચેકિંગ અને પોલીસ યુનિટો વચ્ચે સતત સંકલન માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ મોનીટરીંગ કરવામાં આવશે.હવે પ્રચાર શાંત થતા મતદારોના મિજાજ પર સૌની નજર છે. 26 એપ્રિલે થનારા મતદાનમાં કયા પક્ષને જનતા આશીર્વાદ આપે છે અને શું રેકોર્ડબ્રેક મતદાન થશે—તેનો ખુલાસો 28 એપ્રિલે પરિણામ સાથે થશે.

રાજ્યમાં યોજાઇ રહેલી ચૂંટણી

12 મહાનગરપાલિકા

84 નગરપાલિકા
34 જિલ્લા પંચાયત

260 તાલુકા પંચાયત
11 નગરપાલિકા

ઉમેદવારોની સ્થિતિ

1,536 ઉમેદવારોએ નામ પાછું ખેંચ્યું હતું

11,344 ફોર્મ રદ થયા હતા
313 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે.

ભાજપના 9,245 ઉમેદવાર મેદાનમાં
કોંગ્રેસના 8,443 ઉમેદવાર મેદાનમાં

આદમી પાર્ટીના 5,263 ઉમેદવારો મેદાનમાં
2,575 અપક્ષ ઉમેદવાર ચૂંટણ લડશે

કુલ 26,196 ઉમેદવારો મેદાનમાં છે

Most Popular

To Top