Gujarat

મહેસાણાની કોલેજની હોસ્ટેલમાં નવસારીની વિદ્યાર્થિનીનો આપઘાત

ગાંધીનગર : ઉત્તર ગુજરાતના મહેસાણા-વિસનગર રોડ પર આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી અને મૂળ નવસારીની રહેવાસી યુવતીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર કોલેજ કેમ્પસમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા-વિસનગર રોડ પર આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી અને મૂળ નવસારીની અસ્મિતા પટેલ નામની વિદ્યાર્થિની હોસ્ટેલના રૂમ નંબર A-208માં પંખા સાથે લચકીને આત્મહત્યા કરી લીધી હતી. કોલેજમાં સફાઈ કામદારે દરવાજો ખખડાવતા સમગ્ર ધટના બહાર આવી હતી.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મહેસાણાની મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં BSC નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી નવસારીની અસ્મિતા પટેલ નામની વિદ્યાર્થિની હોસ્ટેલના રૂમ નંબર A-208માં રહેતી હતી. આજે સવારે જ્યારે હોસ્ટેલનો સફાઈ કર્મચારી રૂમની સફાઈ માટે પહોંચ્યો ત્યારે અંદર રૂમમાંથી કોઈ જવાબ મળ્યો ન હતો. લાંબા સમય સુધી દરવાજો ન ખુલતા શંકા જતાં હોસ્ટેલના વહીવટી સત્તાવાળાઓને જાણ કરવામાં આવી હતી. અંતે દરવાજો તોડી અંદર જોતા સ્ટાફના હોશ ઉડી ગયા હતા, વિદ્યાર્થીની અસ્મિતાનો મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

વિદ્યાર્થિનીએ પોતાની પરીક્ષા પૂર્ણ કર્યાના ગણતરીના કલાકોમાં જ આ આકરું પગલું ભરી લીધું હતું. તે અભ્યાસમાં હોશીયાર હોવાનું જાણવા મળ્યુ છે, ત્યારે પરીક્ષાના દબાણ કે અન્ય કોઈ અંગત કારણોસર તેણે જીવન ટૂંકાવ્યું છે તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે નવસારીમાં રહેતા અસ્મિતાના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ ગમગીન હાલતમાં મહેસાણા આવવા રવાના થયા છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી, આત્મહત્યા પાછળનું ચોક્કેસ કારણ શોધવા માટે હોસ્ટેલના મિત્રો અને મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top