અમદાવાદ
અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતગણતરીની તૈયારીઓ હવે આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. 26 એપ્રિલે યોજાનાર મતદાન બાદ 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે, જે માટે શહેરના એલડી ઈન્જિનિયરીંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.
મતગણતરી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને શાંતિપૂર્ણ રહે તે માટે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં કુલ આશરે 8 હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે, જેમાંથી 2500 જેટલા જવાનો વીવીઆઈપી મુવમેન્ટ અને ખાસ સુરક્ષા માટે મુકવામાં આવશે.
અમદાવાદમાં મત ગણતરી માટે સુરક્ષા વ્યવસ્થા ત્રણ સ્તરમાં ગોઠવાઈ છે. પ્રથમ સ્તરે સીઆરપીએફના જવાનો, બીજા સ્તરે હથિયારબંદ પોલીસ અને ત્રીજા સ્તરે સ્થાનિક પોલીસ તથા અન્ય દળોને તૈનાત કરવામાં આવશે. મતગણતરી કેન્દ્રોની અંદર SRP જવાનો ખાસ તહેનાત રહેશે.
મતગણતરી દરમિયાન કોઈ ગડબડ ન થાય તે માટે CCTV સર્વેલન્સ અને એક્સેસ કંટ્રોલ સિસ્ટમ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી હોલ પર ચુસ્ત નજર રાખવામાં આવશે.
વોર્ડ પ્રમાણે વ્યવસ્થા પણ નક્કી થઈ ગઈ છે, જેમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 27 વોર્ડ અને ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડની મતગણતરી હાથ ધરાશે. મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓ કડક સુરક્ષા વચ્ચે આ કેન્દ્રો પર લાવવામાં આવશે.
અમદાવાદ પોલીસ કમિશનર જી એ, મલિક દ્વારા એલડી કોલેજ ખાતે મતગણતરી સેન્ટરની તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તમામ અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોર્પોરેશન હોય કે ધારાસભાની ચૂંટણી—મતગણતરી પરંપરાગત રીતે એલડી અને ગુજરાત કોલેજમાં જ યોજાતી આવી છે. આ વખતે પણ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તૈયારી પૂર્ણ કરવામાં આવી રહી છે, જેથી સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે.