ગાંધીનગર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ-શો યોજાયો હતો. બાપુનગરના શ્યામ શિખરથી શરૂ થઈને ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર અને ખોડિયાર નગર સુધીના રૂટ પર હજારોની જનમેદની ઉમટી પડી હતી, જ્યાં લોકોએ પુષ્પવર્ષા કરીને નેતાઓનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભાજપને ગત વખત કરતા પણ વધુ જનસમર્થન મળી રહ્યું છે અને જનતાનો સહકાર અભૂતપૂર્વ છે. કેસરિયા ધ્વજ, ઢોલ-નગારા અને દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ રોડ-શોને ઐતિહાસિક ગણાવી આગામી ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ભગવો લહેરાશે તેવો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ રોડ-શોમાં જોવા મળેલી અદભૂત ઊર્જા અને સ્વયંભૂ જનસમર્થન ભાજપના જંગી વિજયના સંકેત આપી રહ્યા હતા.
આ રોડ-શોનો પ્રારંભ બાપુનગરના શ્યામ શિખર ચાર રસ્તાથી થયો હતો. ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર એપ્રોચ, લીલાનગર અને ખોડિયાર નગર થઈને 80 ફૂટ રોડ પર ખોડિયાર મંદિર ખાતે તેનું સમાપન થયું હતું. સમગ્ર રૂટ દરમિયાન હજારોની સંખ્યામાં કાર્યકરો અને સામાન્ય નાગરિકો ઉમટી પડ્યા હતા.
મુખ્યમંત્રીનું મોટું નિવેદન
રોડ-શો દરમિયાન નાગરિકોનું અભિવાદન ઝીલતા સીએમ ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, “ભાજપ પ્રત્યે લોકોનું સમર્થન સતત વધી રહ્યું છે. આ વખતે ગત ચૂંટણી કરતા પણ વધુ જનસમર્થન મળી રહ્યું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.” તેમણે કહયું કે સમગ્ર પ્રચાર દરમિયાન જનતાનો ખૂબ જ સારો સહકાર પ્રાપ્ત થયો છે.
કેસરિયો માહોલ અને દેશભક્તિના ગીતો
સમગ્ર રૂટ પર ભાજપના કેસરિયા ધ્વજ, કેસરી ખેસ અને દેશભક્તિના ગીતોની ગુંજ સંભળાતી હતી. ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ના નારા તેમજ ઢોલ-નગારાના નાદથી વાતાવરણ ઊર્જામય બની ગયું હતું. ઠેર-ઠેર મહિલાઓ, યુવાનો અને વડીલોએ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પર પુષ્પવર્ષા કરીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
“ચૂંટણીમાં ભગવો લહેરાશે”: જગદીશ વિશ્વકર્મા
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ રોડ-શોને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે, જનતામાં જે પ્રકારનો ઉત્સાહ છે તે જોતા આગામી ચૂંટણીમાં તમામ બેઠકો પર ભગવો લહેરાશે તે નિશ્ચિત છે. તેમણે જનતાના આ સ્વયંભૂ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.પ્રચારના અંતિમ દિવસે ભાજપના આ પ્રચંડ શક્તિપ્રદર્શને આગામી ચૂંટણીના પરિણામોના સંકેત આપી દીધા છે. હજારોની મેદની વચ્ચે યોજાયેલો આ રોડ-શો ભાજપના જંગી વિજયની સાક્ષી પૂરી રહ્યો હતો.