Gujarat

રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રી નોંધાયો

અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાની ગરમી દિવસે ને દિવસે તીવ્ર બનતી જઈ રહી છે. હવામાન વિભાગના તાજા આંકડા મુજબ રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિ.સે.થી ઉપર પહોંચી ગયું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં 43 ડિ.સે. સુધીનો કડક તાપ અનુભવાયો છે.

હવમાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલ તાપમાન મુજબ ભુજમાં 41 ડિ.સે., નલિયામાં 35 ડિ.સે., કંડલા પોર્ટ પર 37 ડિ.સે. અને કંડલા એરપોર્ટ પર 42 ડિ.સે. નોંધાયું હતું. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગરમીનો પ્રભાવ વધુ રહ્યો છે, જ્યાં અમરેલી અને રાજકોટમાં 43 ડિ.સે. સુધી તાપમાન પહોંચ્યું હતું. સુરેન્દ્રનગરમાં 42 ડિ.સે., ભાવનગરમાં 38 ડિ.સે. અને પોરબંદરમાં 34 ડિ.સે. નોંધાયું હતું.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ગરમીનો મારો યથાવત રહ્યો છે. અમદાવાદમાં 41 ડિ.સે., ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 40 ડિ.સે., ડીસામાં 39 ડિ.સે. અને વડોદરા તથા સુરતમાં 40 ડિ.સે. તાપમાન નોંધાયું હતું. મહુવા અને દમણ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન થોડું ઓછું રહી 35 ડિ.સે. આસપાસ નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ વિસ્તારમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ગરમીમાં વધારો નોંધાયો છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાનમાં ખાસ ફેરફાર નોંધાયો નથી, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું છે. હાલમાં મધ્ય ટ્રોપોસ્ફિયરમાં 5.8 કિમી ઊંચાઈએ પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય છે, જેનો હવામાન પર આંશિક પ્રભાવ જોવા મળી રહ્યો છે.
આગામી દિવસોની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિ.સે.નો વધારો થવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિ.સે.નો ઘટાડો નોંધાઈ શકે છે. અંદરના વિસ્તારોમાં તાપમાન 41 થી 43 ડિ.સે. વચ્ચે રહેવાની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 40 ડિ.સે. વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.વિશેષ કરીને 24 અને 25 એપ્રિલ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારો તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમ અને ભેજયુક્ત હવાની અસરથી અસહ્ય ઉકળાટ અનુભવાઈ શકે છે.

અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટેની આગાહી મુજબ આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 42 ડિ.સે. સુધી પહોંચવાની શક્યતા છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા, પૂરતું પાણી પીવાનું અને ગરમીથી બચવા જરૂરી તકેદારી રાખવા હવામાન વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે.

Most Popular

To Top