અમેરિકન નૌકાદળનું એક અત્યાધુનિક સર્વેલન્સ ડ્રોન MQ-4C ટ્રાઈટન ક્યુબાના દક્ષિણ કિનારા આસપાસ લગભગ 6 કલાક સુધી મંડરાતું રહ્યું હતું. આ ડ્રોન જેક્સનવિલેથી ઉડ્યું હતું અને તેણે ક્યુબાના સમગ્ર દક્ષિણ ભાગને નજીકથી સ્કેન કર્યો હતો. ખાસ કરીને સેન્ટિયાગો ડી ક્યુબા અને હવાના આસપાસ લાંબા સમય સુધી તેની હાજરી નોંધાઈ હતી. ફ્લાઇટ ટ્રેકિંગ નિષ્ણાતો મુજબ, આ પ્રકારની નજીકની દેખરેખ પહેલા ક્યારેય જોવા મળી નથી. સામાન્ય રીતે આ ડ્રોન બ્લેક સી, પર્શિયન ગલ્ફ અથવા મધ્યધરિયા સમુદ્ર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ઉપયોગમાં લેવાય છે. ક્યુબા પાસે તેની હાજરીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી ગઈ છે. MQ-4C ટ્રાઈટન ખૂબ જ આધુનિક ટેક્નોલોજી ધરાવતું ડ્રોન છે, જેની કિંમત અંદાજે રૂ. 2000 કરોડ છે. તે ઊંચાઈએ લાંબા સમય સુધી ઉડી શકે છે અને રડાર, કેમેરા અને સેન્સર્સની મદદથી જમીન અને સમુદ્ર પરની દરેક ગતિવિધિ પર નજર રાખી શકે છે. આ વખતે તેણે ક્યુબાના વિસ્તારોનું ખૂબ નજીકથી નિરીક્ષણ કર્યું હતું.
આ ઘટનાને વધુ ગંભીર બનાવે છે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું તાજેતરનું નિવેદન. ટ્રમ્પે કહ્યું હતું કે તેમને ક્યુબાને કોઈ ને કોઈ સ્વરૂપે મેળવવાનો સન્માન મળશે. આ નિવેદન પછી પેન્ટાગોન ક્યુબા માટે કોઈ સંભવિત કાર્યવાહીનું આયોજન કરી રહ્યું હોવાની ચર્ચાઓ તેજ થઈ છે. આ સાથે જ અમેરિકાએ ક્યુબાનો તેલ પુરવઠો રોક્યો છે, જેનાથી તેની અર્થવ્યવસ્થા પર દબાણ વધ્યું છે. દસ વર્ષ બાદ અમેરિકન પ્રતિનિધિમંડળ પણ હવાના પહોંચ્યું છે. આ તમામ ઘટનાઓને જોડીને જોવામાં આવે તો અમેરિકા ક્યુબા પર દબાણ વધારવાની દિશામાં આગળ વધી રહ્યું હોય તેવી સંભાવના છે. નિષ્ણાતો આ સમગ્ર ઘટનાને વેનેઝુએલા પેટર્ન સાથે પણ જોડીને જોઈ રહ્યા છે. અગાઉ આવું જ ડ્રોન વેનેઝુએલા નજીક 10 કલાક સુધી રેકી મિશન પર ગયું હતું અને થોડા મહિનાઓ બાદ ત્યાં સૈન્ય કાર્યવાહી થઈ હતી. હવે ક્યુબા પાસે પણ આવું જ ડ્રોન દેખાતા, આશંકાઓ વધતી જોવા મળી રહી છે.
ક્યુબા માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે. જો અમેરિકા કોઈ કડક પગલું ભરે છે, તો લેટિન અમેરિકા વિસ્તારમાં મોટું તણાવ સર્જાઈ શકે છે. હાલ ક્યુબા તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ આંતરિક સ્તરે તૈયારી ચાલી રહી હોવાની શક્યતા છે. દુનિયાભરના દેશો હવે આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે કે શું આ તણાવ વધશે કે પછી વાતચીત દ્વારા ઉકેલાશે.