Sports

CSK સામે કઠિન પડકાર, SRHએ જીતવા આપ્યો મજબૂત 194/8 સ્કોર,અભિષેક-ક્લાસેન ચમક્યા

IPLની શનિવારની બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 195 રનનો મજબૂત ટાર્ગેટ મૂક્યો છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદની શરૂઆત ધીમી રહી, પરંતુ પછી અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું. ખાસ કરીને અભિષેક શર્માએ માત્ર 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને મેચનો મૂડ બદલ્યો. તેણે કુલ 22 બોલમાં 59 રન બનાવ્યા, જેમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળ્યો.

પાવરપ્લેના અંતે હૈદરાબાદે 75 રન બનાવી લીધા હતા, પરંતુ ત્યારબાદ CSKના બોલર્સે મેચમાં વાપસી કરી. મુકેશ ચૌધરીએ એક જ ઓવરમાં ટ્રેવિસ હેડ અને ઈશાન કિશનને આઉટ કરીને SRHને ઝટકો આપ્યો. મિડલ ઓવરોમાં હેનરિક ક્લાસેનએ ઇનિંગ્સ સંભાળી. તેણે 39 બોલમાં 59 રન બનાવી ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ તેની IPLમાં 10મી ફિફ્ટી હતી. જોકે, તેની આ ઇનિંગ્સનો અંત અંશુલ કંબોજના બોલ પર થયો. ચેન્નઈ માટે જેમિ ઓવરટન સૌથી સફળ બોલર રહ્યો. તેણે 3 વિકેટ લઈને હૈદરાબાદને વધુ મોટા સ્કોર સુધી જતાં રોક્યા. અંશુલ કંબોજે પણ 3 વિકેટ ઝડપી અને ખાસ કરીને અંતિમ ઓવરમાં 2 વિકેટ લઈને SRHને 200 પાર જતાં અટકાવ્યું. મુકેશ ચૌધરીએ 2 વિકેટ મેળવી.

લાસ્ટ ઓવરોમાં હૈદરાબાદ સતત વિકેટ ગુમાવતું રહ્યું, જેના કારણે ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 194 રન સુધી જ પહોંચી શકી. છેલ્લી ઓવરમાં કંબોજે માત્ર 7 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી. આ રીતે SRHએ ચેન્નઈ સામે 195 રનનો પડકાર મૂક્યો છે, જે આ પિચ પર સ્પર્ધાત્મક સ્કોર માનવામાં આવે છે. હવે CSKની બેટિંગ લાઇનઅપ પર નિર્ભર છે કે તેઓ આ ટાર્ગેટને કેવી રીતે ચેઝ કરે છે.

Most Popular

To Top