Sports

મારે મારી જાતને વારંવાર સાબિત નથી કરવી…2027 વર્લ્ડ કપ રમવા તૈયાર કિંગ કોહલી, પણ રાખી ખાસ શરત

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 2027ના વનડે વર્લ્ડ કપમાં રમવા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હાલમાં IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તરફથી શાનદાર પ્રદર્શન કરી રહેલા કોહલીએ એક પોડકાસ્ટ દરમિયાન સ્પષ્ટ કર્યું કે તે હજુ પણ ભારત માટે રમવા તૈયાર છે, પરંતુ તેની એક ખાસ શરત છે. કોહલીએ કહ્યું કે તે એવા વાતાવરણમાં ક્રિકેટ રમવા માંગતો નથી જ્યાં તેને વારંવાર પોતાની જાતને સાબિત કરવી પડે. તેણે કહ્યું, ‘જો મને એવું અનુભવ કરાવવામાં આવે કે મારે મારી કિંમત અથવા ક્ષમતા ફરી ફરી સાબિત કરવી છે, તો એવી જગ્યા મારા માટે નથી. હું હંમેશા મારી તૈયારી અને રમત પ્રત્યે ઈમાનદાર રહ્યો છું.’ 37 વર્ષીય કોહલીએ ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોને આડકતરો સંદેશ આપતા જણાવ્યું કે, “કાં તો તમે શરૂઆતથી કહી દો કે મારી જરૂર નથી, અથવા પછી મારા પર સંપૂર્ણ ભરોસો રાખો. દરેક ખરાબ પ્રદર્શન પછી મૂલ્યાંકન બદલાય એ યોગ્ય નથી.’ કોહલીનું કહેવું છે કે જ્યાં સુધી ટીમને લાગશે કે તે યોગદાન આપી શકે છે, ત્યાં સુધી તે ભારત માટે રમવાનું ચાલુ રાખશે.

કોહલીએ પોતાના ક્રિકેટ પ્રત્યેના અભિગમ વિશે પણ ખુલાસો કર્યો. તેણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ તેની વિચારસરણીમાં બદલાવ આવ્યો છે. હવે તે રેકોર્ડ બનાવવા અથવા ટીકાકારોને જવાબ આપવા માટે નહીં, પરંતુ રમત પ્રત્યેના પોતાના પ્રેમ માટે મેદાન પર ઉતરે છે. તેણે કહ્યું, ‘જ્યારે મેં બહારના દબાણ અને લોકો શું કહે છે તેની ચિંતા છોડીને માત્ર રમતનો આનંદ માણવાનું શરૂ કર્યું, ત્યારે ફરી બાળપણ જેવી ખુશી અનુભવાઈ.’ કોહલીએ ઉમેર્યું કે તે આજે પણ દરેક બોલને પોતાના કરિયરના છેલ્લાં બોલની જેમ રમે છે. ફિટનેસ અને કમિટમેન્ટ વિશે વાત કરતા કોહલીએ કહ્યું કે જો ટીમ તેને 40 ઓવર સુધી બાઉન્ડ્રી પર દોડવાનું કહે તો પણ તે ફરિયાદ કર્યા વગર તે કરવા તૈયાર છે. તેના માટે ટીમ પ્રથમ છે અને તે હંમેશા પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે રમવાનો પ્રયત્ન કરે છે.

નોંધનીય છે કે વિરાટ કોહલી પહેલેથી જ T20 ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હવે તે માત્ર વનડે ફોર્મેટમાં જ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. ક્રિકેટ ચાહકો માટે રાહતની વાત એ છે કે કોહલી હજુ પણ 2027ના વર્લ્ડ કપમાં ભારત માટે રમવાની ઇચ્છા રાખે છે. હાલ IPL 2026માં કોહલીનું ફોર્મ જોરદાર રહ્યું છે અને તે ઓરેન્જ કેપની રેસમાં આગળ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં તેના નિવેદનને ભારતીય ક્રિકેટ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top