Vadodara

વડોદરાના વોર્ડ નં. 11 માં ચૂંટણી બહિષ્કાર: ‘નેતાઓ અમને ઓળખતા નથી, તો અમે વોટને ઓળખતા નથી’

વિનાયક હાઉસિંગના 360 પરિવારોનો મક્કમ નિર્ધાર; જર્જરિત મકાનો અને ગંદકીના પ્રશ્ને તમામ પક્ષના નેતાઓ માટે સોસાયટીના દરવાજા બંધ

વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બ્યુગલ વાગતાની સાથે જ રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવા માટે લોભામણા વચનો અને ચૂંટણી ઢંઢેરાઓનો મારો શરૂ કર્યો છે. તમામ પક્ષો વિકાસની વાતો કરી રહ્યા છે, પરંતુ વડોદરા શહેરના વોર્ડ નંબર 11માં આવેલ સનફાર્મા રોડ પરના ‘વિનાયક હાઉસિંગ’ વુડાના મકાનો ની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. અહીં વિકાસ માત્ર કાગળ પર હોય તેમ પ્રાથમિક સુવિધાઓના નામે શૂન્યતા જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં શાસકો સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.

વિનાયક હાઉસિંગમાં આવેલા વુડાના આવાસની હાલત અત્યંત બિસ્માર અને જર્જરિત થઈ ગઈ છે. મકાનોના પોપડા ઉખડવા અને તિરાડો પડવી અહીં સામાન્ય બાબત બની ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મકાનોની સ્થિતિ જોતા ગમે ત્યારે કોઈ મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે. છતાં તંત્ર દ્વારા આ જોખમી ઇમારતોના સમારકામ કે નવીનીકરણ બાબતે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકો અહીં જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે.

આ વિસ્તારમાં રોડ-રસ્તાના ઠેકાણા નથી, જે રહીશોની હાલાકીમાં વધારો કરે છે. ગટર વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાયેલી છે, જેના કારણે ગંદુ પાણી રસ્તાઓ પર ઉભરાય છે. આટલું ઓછું હોય તેમ, પીવાનું પાણી પણ શુદ્ધ મળતું નથી. દૂષિત પાણીના પુરવઠાને કારણે અહીં રહેતા આશરે 360 પરિવારોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે અને ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે.

રહીશોનો સૌથી મોટો આક્ષેપ એ છે કે વારંવાર કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં રૂબરૂ જઈને રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. લોકોમાં એ વાતનો સખત રોષ છે કે, “અમારા કોર્પોરેટર કોણ છે તેની પણ અમને ખબર નથી.” માત્ર ચૂંટણી સમયે મતોની ઝોળી ફેલાવીને આવતા નેતાઓ જીત્યા પછી ક્યારેય આ વિસ્તારની મુલાકાત લેતા નથી. લોકોની તકલીફો જાણવાની દરકાર પણ કોઈ જનપ્રતિનિધિએ કરી નથી.

– ‘નો વોટ, નો એન્ટ્રી’નો નિર્ધાર

વર્ષોથી ખોટા વચનો અને ‘લોલીપોપ’ થી કંટાળેલા વિનાયક હાઉસિંગના રહીશોએ આ વખતે આરપારની લડાઈ લડવાનું નક્કી કર્યું છે. 360 પરિવારોએ એકસૂરે સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી પ્રાથમિક સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી કોઈ પણ પક્ષને વોટ આપવો નહીં. આટલું જ નહીં, રહીશોએ ચૂંટણી પ્રચાર માટે આવતા નેતાઓ કે કાર્યકરોને સોસાયટીમાં પ્રવેશવા ન દેવાનો પણ કડક નિર્ણય લીધો છે. લોકો હવે વચનો નહીં પણ વળતર અને વિકાસ ઈચ્છી રહ્યા છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાઓનો ઉકેલ નહીં આવે, તો આગામી ચૂંટણીમાં આ વિસ્તારમાં મતદાનના આંકડા શૂન્ય રહે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.

Most Popular

To Top