Vadodara

ઓરસંગ નદીમાં પાણી પીવા ઉતરેલા યુવકને મગરે ઊંડા પાણીમાં ખેંચી જતાં કરુણ મોત

સ્થાનિક તંત્ર અને ગામજનોની જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો, સમગ્ર પંથકમાં શોકની લાગણી

(પ્રતિનિધિ), વડોદરા. તા.18

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ડભોઈની ઓરસંગ નદીમાં ગરમીથી રાહત મેળવવા અને પાણી પીવા ઉતરેલા એક યુવકને મગરે અચાનક ખેંચી જતાં તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ભિલોડિયા ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, ભિલોડિયા ગામના રહેવાસી મનોજ રામાભાઈ તડવી નામનો યુવક ગત રોજ મોડી સાંજે ઓરસંગ નદી કિનારે ગયા હતા. આકરા તાપ અને ગરમીને કારણે મનોજ નદીના કાંઠે પાણી પીવા માટે ઉતર્યો હતો. આ સમયે જ નદીમાં રહેલા એક વિશાળકાય મગરે અચાનક હુમલો કરી મનોજને પાણીના ઊંડાણમાં ખેંચી જતાં તેને બહાર આવવાની તક પણ મળી ન હતી.

યુવકને મગર પાણીમાં ખેંચી ગયો હોવાની જાણ થતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓ અને એન.જી.ઓના સભ્યોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજી ડભોઈના આર.એફ.ઓ સહિત વન વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગ અને સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત ઉઠાવીને નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જે બાદ મનોજનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી.

ઘટનાસ્થળેથી મૃતદેહને કબજે કરી ડભોઈની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પરના તબીબો દ્વારા જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. યુવકના આકસ્મિક મોતને લઈને પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે અને ગામમાં ભારે ગમગીની છવાયેલી છે.

ઓરસંગ નદીમાં અવારનવાર મગર દેખાવાની ઘટનાઓ બનતી હોય છે. તંત્ર દ્વારા નદી કિનારે રહેતા લોકોને તેમજ નદીમાં જતા લોકોને સાવધ રહેવા અને પાણીના સ્ત્રોત પાસે જતી વખતે પૂરતી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. આ દુઃખદ અકસ્માતે ફરી એકવાર નદી કિનારે વસતા લોકોની સુરક્ષાનો પ્રશ્ન ગંભીર બનાવી દીધો છે.

Most Popular

To Top