1500થી વધુ ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા; વિપક્ષના સૂપડા સાફ થતા ભાજપનો કેસરીયો લહેરાયો, ચૂંટણી પંચની ભૂમિકા સામે સવાલો
વડોદરા:ગુજરાતમાં 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ અત્યારે ચરમસીમાએ છે, પરંતુ તાજેતરના રાજકીય ઘટનાક્રમે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે જે દ્રશ્યો જોવા મળ્યા તેને રાજકીય વિશ્લેષકો અને જનતા લોકશાહી માટે ચિંતાજનક ગણાવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં અંદાજે 1559 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે, જેના પરિણામે 700થી વધુ બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત નિશ્ચિત મનાઈ રહી છે.
મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આ ચૂંટણીઓમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ જે રીતે મેદાન છોડ્યું છે, તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. વિપક્ષો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સત્તાધારી પક્ષ દ્વારા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને ઉમેદવારોને ડરાવવામાં આવ્યા છે અથવા તો ખરીદી લેવામાં આવ્યા છે. જોકે, બીજી તરફ એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે શું વિપક્ષી પાર્ટીઓ પાસે હવે એવા અડીખમ નેતાઓ નથી રહ્યા જે ચૂંટણીના મેદાનમાં ટકી શકે? હાર-જીત તો પછીની વાત છે, પણ ચૂંટણી લડવા માટેની હિંમત પણ નેતાઓમાં ખૂટી રહી હોય તેવું જણાય છે.
આ ઘટનાક્રમમાં સૌથી મોટું નુકસાન સામાન્ય મતદાતાઓને થયું છે. લોકશાહીમાં મતદાન એ નાગરિકનો પવિત્ર અધિકાર છે, પરંતુ 700થી વધુ બેઠકો પર ચૂંટણી ન યોજાવાને કારણે લાખો મતદાતાઓનો આ અધિકાર છીનવાઈ ગયો છે. હવે આ મતદારોએ મતદાન કર્યા વગર જ બિનહરીફ જાહેર થયેલા નેતાને સ્વીકારવા પડશે. આ પરિસ્થિતિમાં પોલીસ અને ચૂંટણી પંચની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે.
શું આ ખરેખર જીવંત લોકશાહીના લક્ષણો છે કે પછી માત્ર ચૂંટણી ખાતર ચૂંટણી યોજાઈ રહી છે? તેવો ગંભીર પ્રશ્ન અત્યારે જનતા પૂછી રહી છે. જ્યારે ચૂંટણીના મેદાનમાં પ્રતિસ્પર્ધી જ ન રહે, ત્યારે લોકશાહીનું ગૌરવ જળવાઈ રહે છે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે. જનતાનો જવાબ આગામી સમયમાં શું આવશે અને આ બિનહરીફ શાસન પ્રજાના પ્રશ્નોને કેટલી વાચા આપશે તે તો સમય જ બતાવશે.