India

IT ઉદ્યોગ પર AIનો ખતરો નહીં, પરંતુ ગોલ્ડન ચાન્સ: TCS

ભારતમાં IT ક્ષેત્ર વિશે છેલ્લા કેટલાક સમયથી એક મોટો સવાલ ઉઠી રહ્યો છે, શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આવતાં IT નોકરીઓ ખતમ થઈ જશે? ઘણા નિષ્ણાતો માનતા હતા કે 2030 સુધીમાં આ ઉદ્યોગમાં મોટો ઘટાડો આવશે. પરંતુ દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના CEO કે. કૃતિવાસન આ વાતને સ્પષ્ટ રીતે નકારી કાઢી છે. તેમના મતે, AI કોઈ ખતરો નથી, પરંતુ એક મોટી તક છે. તેમણે કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી દરેક દાયકામાં આવી આગાહીઓ કરવામાં આવી છે કે IT ઉદ્યોગ હવે ખતમ થઈ જશે, પરંતુ દરેક વખતે આ ઉદ્યોગ વધુ મજબૂત બનીને બહાર આવ્યો છે. તેઓ માને છે કે ભારતીય IT કંપનીઓની સૌથી મોટી શક્તિ તેમની પ્રતિભા અને કુશળતા છે, જે તેમને દુનિયાભરમાં અલગ ઓળખ આપે છે.

કૃતિવાસન મુજબ, AI આવવાથી નોકરીઓ ખતમ નહીં થાય, પરંતુ કામ કરવાની રીત ચોક્કસ બદલાશે. આજે AI ટેક્નોલોજી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ કંપનીઓ તેને એટલી ઝડપથી અપનાવી રહી નથી. આ ગેપને પૂરો કરવા માટે, TCS જેવી મોટી અને અનુભવી કંપનીઓની જરૂર પડશે. એટલે કે, IT કંપનીઓની માંગ ભવિષ્યમાં પણ યથાવત રહેશે. કંપનીની COO આરતી સુબ્રમણ્યમે પણ આ વાતને સમર્થન આપ્યું છે. તેમના અનુસાર, AI સિસ્ટમો TCS માટે ખતરો નથી, પરંતુ એક સારો અવસર છે. AIની મદદથી જૂની સિસ્ટમોને સુધારી શકાય છે અને વધુ કાર્યક્ષમ બનાવી શકાય છે. એટલે કંપનીઓ માટે AI એક શક્તિશાળી ટૂલ બની રહ્યું છે.

હાલમાં TCS માટે એક નકારાત્મક બાબત પણ સામે આવી છે. 2004માં લિસ્ટ થયા પછી પહેલી વાર કંપનીની વાર્ષિક આવકમાં 2.4% નો ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક સ્તરે ટેક ખર્ચમાં ઘટાડો અને આર્થિક અનિશ્ચિતતા તેના મુખ્ય કારણો છે. IT ઇન્ડેક્સમાં પણ લગભગ 20% સુધીનો ઘટાડો નોંધાયો છે. પણ આ બધાની વચ્ચે TCS ખૂબ આશાવાદી છે. કૃતિવાસને જણાવ્યું કે આવકમાં ઘટાડો એક મોટા પ્રોજેક્ટ પૂરો થવાને કારણે થયો હતો. પરંતુ ત્યાર પછી છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં કંપનીએ સતત વૃદ્ધિ નોંધાવી છે. હાલમાં કંપની પાસે 40.7 બિલિયન ડોલર (FY26) ની મોટી ઓર્ડર બુક છે, જે બતાવે છે કે દુનિયાભરના ક્લાયન્ટ્સનો વિશ્વાસ હજુ પણ મજબૂત છે. ગલ્ફ દેશોમાં ચાલી રહેલા તણાવ છતાં, TCS મોટી ડીલ્સ સાઇન કરી રહી છે. આથી સ્પષ્ટ થાય છે કે ભારતીય IT ઉદ્યોગ હજુ પણ વૈશ્વિક સ્તરે મજબૂત છે.

AI ના કારણે કોડિંગ હવે વધુ સરળ બન્યું છે. આરતી સુબ્રમણ્યમે સ્વીકાર્યું કે AI ટૂલ્સથી ઉત્પાદકતામાં 15%થી 30% સુધીનો વધારો થયો છે. જોકે, આથી કેટલાક કોન્ટ્રાક્ટના મૂલ્યમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ નવા પ્રોજેક્ટ્સ દ્વારા કંપની આ ઘટાડાને સંતુલિત કરી રહી છે. ખાસ વાત એ છે કે AI દ્વારા TCSની આવક 2.3 બિલિયન ડોલરને પાર કરી ગઈ છે. રોજગારની વાત કરીએ તો, TCS એ ગયા વર્ષે પોતાના કર્મચારીઓમાં 2% ઘટાડો કર્યો હતો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. નાણાકીય વર્ષ 2026માં કંપનીએ 44,000 નવા ટ્રેઇનીઝને નોકરી આપી છે અને આગામી સમયમાં 25,000 ઓફરો પણ આપી છે. આ દર્શાવે છે કે હવે ફરી ભરતી વધશે અને IT ક્ષેત્રમાં તકો ઉભી થશે. તો, AI IT ઉદ્યોગ માટે ખતરો નહીં પરંતુ એક નવી દિશા છે. જે લોકો નવી ટેક્નોલોજી સાથે પોતાને અપડેટ રાખશે, તેમના માટે ભવિષ્યમાં વધુ તકો ઉભી થશે.

Most Popular

To Top