Dabhoi

ભાજપના અનુસુચિત જન જાતિ મોરચામાં ભૂમાફિયા તરીકે ચર્ચાતા વ્યક્તિની વરણી!

ડભોઇ તાલુકા ભાજપમાં આંતરિક અસંતોષ
કરનાળી પીપળીયાના કાર્યકરોમાં પણ વિરોધ, જિલ્લા કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી
ડભોઇ :
તાજેતરમાં ભાજપ દ્વારા ડભોઇ તાલુકાના વિવિધ મોરચાઓની રચના કરવામાં આવી છે. તેમાં અનુસુચિત જન જાતિ મોરચામાં કરનાળી વિસ્તારના ભરતભાઈ ગોપાલભાઈ તડવી ઉર્ફે ભૂપિન તડવીને મંત્રી તરીકે વરણી કરવામાં આવતા પંથકમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના નિષ્ઠાવાન અને જૂના કાર્યકરોમાં આ નિર્ણયને લઈને દબાયેલા અવાજે અસંતોષ વ્યક્ત થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, ડભોઇ તાલુકાના કરનાળી પીપળીયા ખાતે સુરતથી રેતી ભરવા આવેલા બે ઈસમો સાથે ભૂપિન તડવી અને તેના સાગરિતોએ ગાળો આપી મારપીટ કરી અને ફરી વિસ્તારમાં આવશો તો રેતીમાં દાટી દેવાની ધમકી આપ્યાનો આરોપ છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવા છતાં આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેને લઈને રેતી એસોસિયેશનમાં પણ નારાજગી વ્યાપી છે.
અંતરંગ સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપના વફાદાર કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી છે કે આવા વિવાદાસ્પદ નામોની વરણી પછી મતદારોને શું જવાબ આપવો તે પ્રશ્ન ઊભો થયો છે. કેટલાક કાર્યકરો જિલ્લા કક્ષાએ પણ ભૂપિન તડવી સામે રજૂઆત કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે.
હવે પ્રશ્ન એ છે કે ભાજપનું મોવડીમંડળ આ મામલે શિસ્તનો દંડો ઉઠાવશે કે પછી વિવાદ વચ્ચે પણ નિર્ણય યથાવત રાખશે તે જોવાનું રહ્યું.

રિપોર્ટર : દીપક જોશી

Most Popular

To Top