Gujarat

ગુજરાતના ૫૮૦ મંડલોમાં ‘મન કી બાત, ટિફિન કે સાથ’: બેચરાજીમાં પ્રદેશ અધ્યક્ષ અને થલતેજમાં મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓ સાથે માણ્યું ટિફિન ભોજન

ગાંધીનગર,તા.29
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 132મા એપિસોડ નિમિત્તે ગુજરાત ભાજપા દ્વારા રાજ્યભરમાં અનોખું જનસંપર્ક અભિયાન યોજાયું હતું, જેમાં રાજ્યના તમામ 580 મંડલોમાં ‘મન કી બાત, ટિફિન કે સાથ’ કાર્યક્રમ અંતર્ગત પક્ષના ટોચના નેતાઓએ કાર્યકર્તાઓ સાથે જમીન પર બેસીને ટિફિન ભોજન કરી સહજ સંવાદ સાધ્યો હતો.આ સાથે જ ભાજપની નેતાગીરીએ ચૂંટણીની તૈયારીઓ તેજ બનાવી છે.

મહેસાણા જિલ્લાના શક્તિપીઠ બહુચરાજી ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજી, જ્યાં તેમણે બહુચરાજી માતાજીના દર્શન કરીને રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી તેમજ વલ્લભ ભટ્ટની વાવ ખાતે કાર્યકર્તાઓને સંબોધતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સજ્જ થવા હાકલ કરી અને ‘પ્રત્યેક બુથના પ્રત્યેક ઘર’ સુધી જનસંપર્ક મજબૂત બનાવવા ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે જનસંઘના વરિષ્ઠ આગેવાનો સાથે આત્મીય સંવાદ પણ કર્યો હતો, જેમાં પૂર્વ મંત્રી રજની પટેલ અને ધારાસભ્ય સુખાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

બીજી તરફ, અમદાવાદના થલતેજ વોર્ડમાં એચ.બી. કાપડિયા સ્કૂલ ખાતે સીએમ બૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે ‘મન કી બાત’ નિહાળી અને પ્રોટોકોલ બાજુ પર મૂકી કાર્યકર્તાઓ સાથે બેસીને ટિફિન ભોજન લીધું હતું તેમજ પાયાના સ્તરના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. તેમણે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની અછત અંગેની અફવાઓને નકારી કાઢતાં સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે અને ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ગેરમાર્ગે દોરાવું નહીં. આ ઉપરાંત આણંદના ઉમરેઠ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ભાજપાની આ યોજના અનુસાર રાજ્યના દરેક મંડલમાં આગેવાને વક્તા તરીકે હાજર રહી સરકારની કામગીરી અને સંગઠનની મજબૂતી અંગે કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો, જેના માધ્યમથી જનસેવા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ વેગ આપવાનો પ્રયાસ સફળ રહ્યો હતો.

Most Popular

To Top