Entertainment

સોહમ શાહની ‘તુમ્બાડ 2’ ક્યારે આવશે? તારીખ આવી સામે, ફરી જોવા મળશે ફોક હોરરનો રોમાંચ

લોકપ્રિય ફોક હોરર ફિલ્મ ‘તુમ્બાડ’ના ચાહકો માટે એક મોટી ખુશખબર આવી છે. લાંબા સમયથી રાહ જોવાતી તેની સિક્વલ ‘તુમ્બાડ 2’ની રિલીઝ તારીખ હવે સત્તાવાર રીતે જાહેર થઈ ગઈ છે. સોહમ શાહની આ ફિલ્મ ફરી એકવાર દર્શકોને ભય અને રહસ્યની દુનિયામાં લઈ જવાની તૈયારીમાં છે. આજરોજ બુધવાર, 29 એપ્રિલ, 2026ના રોજ ફિલ્મના નિર્માતાઓએ ‘તુમ્બાડ 2’ની રિલીઝ ડેટ જાહેર કરી છે. આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. સોહમ શાહે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનો પોસ્ટર શેર કરીને આ માહિતી આપી હતી. માહિતી અનુસાર, ‘તુમ્બાડ 2’ ફિલ્મ 3 ડિસેમ્બર, 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. એટલે કે, દર્શકોને આ ફિલ્મ માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે, પરંતુ ફિલ્મની જાહેરાત સાથે જ ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે.

સોહમ શાહે પોસ્ટ સાથે એક રસપ્રદ કેપ્શન પણ લખ્યું છે. તેમણે લખ્યું, ‘એક પાપી ભૂતકાળ, એક અશુભ ભવિષ્ય. ભૂખ વધે છે, લોભનો વારસો ચાલુ રહે છે…’ આ શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે ‘તુમ્બાડ 2’માં પણ પહેલાની ફિલ્મ જેવી જ ડાર્ક અને રહસ્યમય સ્ટોરી જોવા મળશે. ‘તુમ્બાડ’ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી અને તેને દર્શકો તેમજ સમીક્ષકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મની અનોખી કહાની, દ્રશ્યો અને લોકકથાઓ પર આધારિત હોરર તત્વોએ તેને ખાસ બનાવી હતી. હવે ‘તુમ્બાડ 2’માં આ કહાનીને આગળ વધારવામાં આવશે. આ ફિલ્મનું દિગ્દર્શન આદેશ પ્રસાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સાથે જ, આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. નવાઝુદ્દીનની એન્ટ્રીથી ફિલ્મ માટેનો ઉત્સાહ વધુ વધી ગયો છે, કારણ કે તેઓ પોતાના શક્તિશાળી અભિનય માટે જાણીતા છે. ફિલ્મની કહાની વિશે હજી વધુ વિગતો બહાર આવી નથી, પરંતુ અનુમાન છે કે આ ભાગમાં લોભ, ભય અને માનવીય કમજોરીઓને વધુ ઊંડાણથી બતાવવામાં આવશે. ‘તુમ્બાડ’ના પ્રથમ ભાગમાં જેમ એક રહસ્યમય ખજાના અને તેના પાછળ છુપાયેલા ભયાનક સત્યની વાત હતી, તેમ સિક્વલમાં પણ કોઈ નવી રહસ્યમય દુનિયા સામે આવી શકે છે.

‘તુમ્બાડ 2’નું પોસ્ટર પણ ખૂબ જ આકર્ષક અને રહસ્યમય લાગે છે, જે દર્શકોમાં કૌતૂહલ જગાવે છે. ફિલ્મમેકર્સે આ વખતે વધુ મોટા સ્તરે અને વધુ અસરકારક રીતે કથાને રજૂ કરવાની તૈયારી કરી છે. આજકાલ બોલિવૂડમાં સિક્વલ ફિલ્મોનો ટ્રેન્ડ વધી રહ્યો છે, પરંતુ દરેક સિક્વલ સફળ થાય એવું નથી. જોકે, ‘તુમ્બાડ’ જેવી મજબૂત ફિલ્મના કારણે ‘તુમ્બાડ 2’ પાસેથી અપેક્ષાઓ પણ ખૂબ ઊંચી છે. આ ફિલ્મ માત્ર હોરર નહીં, પરંતુ એક મજબૂત સ્ટોરી અને મેસેજ સાથે આવશે તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે ‘તુમ્બાડ 2’ પહેલી ફિલ્મ જેટલી જ અસરકારક સાબિત થાય છે કે નહીં. ઇંતેજાર ખૂબ લાંબો છે પણ ચાહકો એની સિકવલ આવવાના અનાઉસમેન્ટથી જ ઉત્સાહિત થઈ ગયા છે અને હવે 3 ડિસેમ્બર, 2027ની રાહ જોઈ રહ્યા છે, જ્યારે આ ફિલ્મ મોટા પડદા પર ધમાકેદાર એન્ટ્રી કરશે.

Most Popular

To Top