અમદાવાદ: અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાની ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિ.સે.થી ઉપર નોંધાતા લોકો ગરમીથી ત્રસ્ત બન્યા છે. ખાસ કરીને અમદાવાદ અને ભૂજમાં મહત્તમ 44 ડિ.સે. તાપમાન નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી વધુ રહ્યું છે.
હવામાન વિભાગના મુજબ નલિયામાં 38 ડિ.સે., કંડલા પોર્ટ પર 39 ડિ.સે. અને એરપોર્ટ પર 43 ડિ.સે., અમરેલીમાં 43 ડિ.સે., ભાવનગરમાં 39 ડિ.સે., પોરબંદરમાં 37 ડિ.સે., રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 43 ડિ.સે. તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત મહુવામાં 38 ડિ.સે., કેશોદમાં 41 ડિ.સે., ડીસામાં 42 ડિ.સે., ગાંધીનગરમાં 43 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 42 ડિ.સે., વડોદરામાં 42 ડિ.સે., સુરત અને દમણમાં 35 ડિ.સે. તાપમાન નોંધાયું હતું.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં હવામાન સુકું રહ્યું હતું. દક્ષિણ ગુજરાત અને કાંઠાવાળા વિસ્તારોમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહ્યું, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછું નોંધાયું. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિ.સે.નો ધીમો ઘટાડો થવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. અંદાજે આંતરિક વિસ્તારોમાં તાપમાન 40થી 44 ડિ.સે. વચ્ચે રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાવાળા વિસ્તારોમાં 35થી 39 ડિ.સે. વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને નાગરિકોને બપોરના સમયે બહાર જવાનું ટાળવું, પૂરતું પાણી પીવું અને સૂર્યપ્રકાશથી બચવા જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.