ગાંધીનગર : સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપની જીત બાદ આજે ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા વિજયોત્સવ ઉજવાયો હતો. પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મીઠાઈ ખવડાવીને સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા ડે સીએમ હર્ષ સંઘવીનું મોં મીઠું કરાવ્યુ હતું. નવી રચાયેલી મનપા પણ ભાજપે સત્તા મેળવી લીધી છે, જયારે જુની મનપામાં સત્તા જાળવી રાખી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજય બાદ જગદીશ વિશ્વકર્માએ કમલમ ખાતે રાજ્યની જનતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે આ જીત માત્ર ભાજપની નહીં પરંતુ વિકાસની રાજનીતિ પર વિશ્વાસ મૂકનારી ગુજરાતની સાડા છ કરોડ જનતાની જીત છે. વિશ્વકર્માએ પોતાના કહ્યું હતું કે, હું ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ના પરિણામોમાં ભાજપની ભવ્ય જીત બદલ ગુજરાતની પ્રજાને વંદન કરું છું. છેલ્લા લગભગ 30 વર્ષથી જનતાએ વિકાસની રાજનીતિને સતત સમર્થન આપ્યું છે, જે આ પરિણામોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. જે લોકો ગુજરાતની વિકાસયાત્રાનો ખોટી રીતે વિરોધ કરી રહ્યા હતા અને રાજ્યને બદનામ કરવાનો પ્રયાસ કરતા હતા, તેઓને હવે જનતાએ યોગ્ય જવાબ આપી દીધો છે, ત્યારે તેમણે પોતાના બિસ્ત્રા પોટલા બાંધવાનો સમય આવી ગયો છે. આ પરિણામો સ્પષ્ટ સંદેશ આપે છે કે ગુજરાતની જનતા નકારાત્મકતા નહીં પરંતુ વિકાસ અને સ્થિરતા પર વિશ્વાસ રાખે છે. ભાજપ આ જનસમર્થનને વધુ મજબૂત બનાવવા માટે આગલા સમયમાં પણ પ્રજાની સેવા માટે પ્રતિબદ્ધ રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ જણાવ્યું હતું કે , આ જીત ભાજપના કાર્યકર્તાઓના સમર્પણ, ટીમવર્ક અને જનસમર્થનનું પરિણામ છે. તેમણે ઉમેર્યું કે સરકાર જનતાના વિશ્વાસને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.કમલમ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે ગુજરાતને બદનામ કરવાનો પ્રયત્ન થયો હતો, પરંતુ જનતાએ યોગ્ય સમયે યોગ્ય જવાબ આપ્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ છેલ્લા 25 વર્ષથી જનતા ભાજપની વિકાસની રાજનીતિ પર વિશ્વાસ રાખે છે તે બાબત પર ભાર મૂક્યો. સુરતમાં આપના પ્રદર્શન અંગે ભાજપે પ્રતિક્રિયા આપતા જણાવ્યું
હતુ કે ગુજરાતની જનતા શાંતિપ્રિય અને વિકાસપ્રિય છે અને અરાજકતાવાદી રાજનીતિને સ્વીકારતી નથી.પક્ષના નેતાઓએ આ જીતને “ટ્રિપલ એન્જિન સરકાર”ની કામગીરી અને વિકાસની રાજનીતિ પર જનતાના વિશ્વાસનું પરિણામ ગણાવ્યું છે.
ડે સીએમ હર્ષ સંઘવીએ કહયું હતું કે સીએમ ગામે ગામથી લઈને દરેક શહેરો સુધી ભારતીય જનતા પાર્ટીનું કમલ ખીલ્યુ છે. પ્રજાની સેવામાં લાખ્ખો કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપીયે છીએ, બે હાથ જોડીને વંદન કરીને આભાર વ્યકત્ત કરીયે છીએ, કેટલાક તત્વોને બદનામ કરવામાં કસર છોડવામાં આવી છે. પ્રજાએ તેઓને સીધો જવાબ આપી દીધો છે. ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ થયો છે. આ એક ઐતિહાસિક વિજય થયો છે , ભાજપ અન પ્રજા એક દુનિયાનું સૌથી મોટુ સહકુટંબ વધારે મજબૂત થયુ છે.