Vadodara

વડોદરામાં વિકાસના નામે ‘મોતની ગટર’: અટલાદરામાં ખુલ્લી ગટરમાં પડવાથી સગર્ભા ગાયનું મોત

સવાલોના ઘેરામાં પાલિકા: માંજલપુર જેવી ઘટનાનું પુનરાવર્તન, ચોમાસા પહેલા પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા

વડોદરા: મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને ખુલ્લી ગટરો સામે સવાલો ઉઠાવતી એક દુખદ ઘટના શહેરના અટલાદરા વિસ્તારમાં સામે આવી છે. કોર્પોરેશન અથવા કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે એક નિર્દોષ સગર્ભા ગાયનું ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું છે, જેના કારણે વિસ્તારના રહીશોમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અટલાદરા વિસ્તારમાં વરસાદી ગટર લાઈન પર પાકા ઢાંકણાને બદલે માત્ર પ્લાયવુડના ટુકડા મૂકીને તેને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગત રોજ એક ગાય આ પ્લાયવુડ પર ચઢતા જ નબળું પ્લાયવુડ તૂટી ગયું હતું અને ગાય સીધી ગટરમાં ખાબકી હતી. ગટરમાં ફસાયેલી ગાય બહાર નીકળી શકી નહોતી અને અંતે તેનું કરુણ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે ગાય સગર્ભા હોવાથી એક સાથે બે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરના ઢાંકણા ખુલ્લા છે અથવા કામચલાઉ રીતે ઢાંકવામાં આવ્યા છે. લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે, “આજે તો ગાયનું મોત થયું છે, પરંતુ જો આ ગટરમાં કોઈ નાનું બાળક પડી જાય અને તેનો જીવ જાય તો તેની જવાબદારી કોણ લેશે?” માંજલપુર જેવી જ ઘટના અહીં પુનરાવર્તિત થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી.
આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને રહીશોએ માંગ કરી છે કે કોર્પોરેશન વહેલી તકે તમામ ખુલ્લી ગટરો પર પાકા ઢાંકણા લગાવે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેના પરિણામે આવા અકસ્માતો સર્જાય છે. હાલમાં આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પાલિકાની કામગીરી સામે ફિટકારની લાગણી વર્ષી રહી છે.

Most Popular

To Top