Benjamin Netanyahuએ ઇઝરાઇલ-ઈરાન વચ્ચે વધતી જતી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે અમેરિકાને યુદ્ધમાં ખેંચવાના આરોપોને લઈને સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા આપી છે. એક મહત્વપૂર્ણ પ્રેસ બ્રીફિંગ દરમિયાન તેમણે કહ્યું કે ઇઝરાઇલ પોતાની સુરક્ષા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે નિર્ણય લે છે અને કોઈપણ દેશના દબાણ હેઠળ કામ કરતું નથી. તેણે વ્યંગાત્મક અંદાજમાં કહ્યું કે, “શું કોઈ માને છે કે કોઈ Donald Trumpને સમજાવી શકે કે તેમને શું કરવું જોઈએ?તેમના આ નિવેદનથી સંકેત મળે છે કે અમેરિકાની નીતિઓ તેના પોતાના હિત પર આધારિત હોય છે અને ઇઝરાઇલ પર તેનું સીધું નિયંત્રણ નથી. નેતન્યાહૂએ ઉમેર્યું કે દરેક દેશ પોતાની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાનો અધિકાર ધરાવે છે.
આ દરમિયાન, Bloombergની એક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અહેવાલ મુજબ, ચાલુ સંઘર્ષમાં અમેરિકાને તેની હવાઈ શક્તિમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. અત્યાર સુધીમાં કુલ 16 અમેરિકન સૈનિક વિમાનો નષ્ટ થયાની માહિતી સામે આવી છે. જેમાંથી 10 અત્યાધુનિક MQ-9 રીપર ડ્રોન છે, જેને ઈરાનની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ઠાર મારવામાં આવ્યા છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે મોટાભાગનું નુકસાન ટેકનિકલ ખામીઓ અને “ફ્રેન્ડલી ફાયર”ના કારણે થયું છે. કૂવૈતમાં સહયોગી દેશોની ભૂલથી થયેલી ગોળીબારમાં અમેરિકા ના ત્રણ F-15 લડાકુ વિમાનો પડી ગયા હતા, જે ગંભીર મુદ્દો માનવામાં આવે છે.
એક બીજી ગંભીર ઘટનામાં, KC-135 ઇંધણ ટેન્કર હવામાં જ વિસ્ફોટ થયો હતો, જેમાં સવાર તમામ 6 ક્રૂ સભ્યોના મોત થયા હતા. આ ઉપરાંત, સાઉદી અરેબિયાના એક સૈનિક મથક પર ઈરાન દ્વારા કરાયેલા મિસાઇલ હુમલામાં 5 અન્ય ટેન્કર વિમાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ઇઝરાયેલી સેનાના જણાવ્યા મુજબ, ગુરુવારે મધરાત પહેલાં ઈરાને વધુ એક મોટો મિસાઇલ હુમલો કર્યો હતો. જેના કારણે યરુશલેમ, મધ્ય ઇઝરાઇલ અને વેસ્ટ બેન્ક વિસ્તારમાં એલાર્મ સાયરન વાગી ઉઠ્યા અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો. આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે મધ્યપૂર્વમાં તણાવ હવે વધુ ગંભીર અને જોખમી તબક્કામાં પ્રવેશી રહ્યો છે, જે વૈશ્વિક રાજકારણ અને સુરક્ષા પર મોટી અસર પાડી શકે છે.