Halol

ચૈત્રી નવરાત્રિ પ્રારંભે પાવાગઢમાં ભક્તોની ભીડ ઉમટી

વહેલી સવારે “જય માતાજી”ના નાદ સાથે મહાકાળી માતાના દર્શન માટે ઉમટી પડ્યા ભક્તો
તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત, વધારાની બસો અને સુવિધાઓથી યાત્રાળુઓને રાહત

હાલોલ: ચૈત્રી નવરાત્રિના પવિત્ર પર્વના પ્રારંભ સાથે પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતા જ હજારો ભક્તો માતા મહાકાળીના દર્શન માટે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તાર “જય માતાજી”ના ગૂંજતા નાદથી ભક્તિમય બની ગયો હતો.

ઘણા ભક્તો રાત્રિ દરમિયાન જ પાવાગઢ પહોંચ્યા હતા, જ્યારે કેટલાક વહેલી સવારે ડુંગર ચડી માતાજીના દર્શનનો લાભ લીધો હતો. સવારની આરતીમાં હાજરી આપીને ભક્તોએ આધ્યાત્મિક આનંદ અનુભવ્યો અને માતાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.

લાખો ભક્તો આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાળુઓની સુવિધા માટે એસ.ટી. વિભાગ દ્વારા આશરે 60 વધારાની બસો દોડાવવામાં આવી છે.

સુરક્ષા માટે 700થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, તેમજ માંચી અને તળેટી વિસ્તારમાં બેરિકેટિંગ, પાર્કિંગ અને ભીડ નિયંત્રણ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
યાત્રાળુઓ માટે પ્રસાદ, ભોજન, આરોગ્ય સેવા અને પીવાના પાણીની સુવિધાઓ સાથે સીસીટીવી દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી સુરક્ષિત અને સરળ દર્શન થઈ શકે

રોપ વે શરૂ થઈ જતા ભક્તોને રાહત

ભારે પવનને કારણે બંધ કરાયેલો રોપવે પવન ઓછો થયા પછી સવારે 9.30થી 10 માં ચાલુ થયો હતોં તેથી ભક્તોએ રાહત અનુભવી હતી.
સવારે દોઢથી બે કલાક એટલે કે આઠ વાગ્યાથી 9:30 સુધી રોપ વે બંધ હતી

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top