યુપી અને બંગાળને બાદ કરતાં ૧૦ રાજ્યોમાં મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણા (એસઆઈઆર) પૂર્ણ થયા પછી યોજાનારી આ પ્રથમ ચૂંટણીઓ છે. બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુંડુચેરીમાં એપ્રિલમાં મતદાન થવાનું છે અને પરિણામ ૪ મેના રોજ જાહેર થશે. આ ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) કરતાં વિરોધ પક્ષો માટે વધુ મહત્ત્વ ધરાવે છે. પાંચ વર્ષ પહેલાં કેરળ, તમિલનાડુ અને બંગાળમાં મળેલી જીતે વિપક્ષનો ઉત્સાહ વધાર્યો હતો અને ત્યાર બાદનાં બે વર્ષમાં મળેલી ચૂંટણીકીય હાર સામે ટકી રહેવામાં મદદ કરી હતી. આ વખતે સત્તા જાળવી રાખવી એ વિપક્ષ માટે મહત્ત્વપૂર્ણ રહેશે, જે સતત સંકોચાઈ રહેલા રાષ્ટ્રીય ફલક સામે સંઘર્ષ કરી રહ્યો છે. તેથી, જીત માટેનો દાવ ઘણો મોટો અને પ્રતીકાત્મક છે.
સાથે જ, ભાજપ પરંપરાગત રીતે જ્યાં તેને સમર્થન નથી મળતું તેવાં રાજ્યોમાં જીત મેળવવાના તેના પ્રયાસોની કસોટી તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પુંડુચેરીમાં થશે, જ્યાં ૯ એપ્રિલથી ૨૯ એપ્રિલની વચ્ચે ચૂંટણી યોજાશે. આસામમાં ભાજપ ત્રીજી વખત સત્તા જાળવી રાખવા માટે લડી રહ્યો છે.
આ ભાજપના નવા પ્રમુખ નીતિન નબીન માટે પણ એક કસોટી હશે. જો કે, હંમેશની જેમ પ્રચારનું નેતૃત્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં તેની લોકસભા બેઠકોની સંખ્યા ઘટીને ૨૪૦ (૨૦૧૪ પછીની સૌથી ઓછી) થયા પછી, તે વર્ષે યોજાયેલી આઠમાંથી પાંચ રાજ્યોની ચૂંટણીમાં મળેલી જીતથી ભાજપ ઉત્સાહિત હતો. તેણે ઓડિશા, હરિયાણા, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં જીત મેળવી હતી અને તેના સાથી પક્ષ ટીડીપીએ આંધ્ર પ્રદેશમાં જીત મેળવી હતી. (ઓડિશા અને આંધ્રની વિધાનસભા ચૂંટણીઓ સામાન્ય ચૂંટણીની સાથે યોજાઈ હતી) વિપક્ષે ઝારખંડ, જમ્મુ, કાશ્મીર અને સિક્કિમમાં જીત મેળવી હતી. ગયા વર્ષે ભાજપે દિલ્હીમાં જીત મેળવી હતી અને જનતા દળ (યુનાઈટેડ) સાથે બિહારમાં સત્તા જાળવી રાખી હતી.
આસામમાં, જ્યાં ભાજપ બે ટર્મથી સત્તામાં છે, ત્યાં ચૂંટણીનો વિષય ફરીથી વસ્તીવિષયક ફેરફારો અને ગેરકાયદે વસાહતીઓ જેવી વૈચારિક ચિંતાઓ પર છે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાની કટ્ટરપંથી છબીના ફાયદા અને ગેરફાયદા બંને છે. ભાજપના આસામ પ્રચારમાં વિકાસ અને આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું નથી, પરંતુ તે બાંગ્લા દેશથી આસામમાં થતા ગેરકાયદે સ્થળાંતર પર છે. ૨૦૨૧માં ભાજપે ૯૩ બેઠકો પર ચૂંટણી લડી હતી અને ૬૦ બેઠકો જીતીને સરકાર બનાવી હતી. તમિલનાડુમાં ૨૩ એપ્રિલની ચૂંટણી ડીએમકેના શાસનના ‘દ્રવિડિયન મોડેલ’ અને મુખ્ય પ્રધાન અને પક્ષપ્રમુખ એમ.કે. સ્ટાલિનની લોકપ્રિયતા માટે એક અગ્નિપરીક્ષા છે. અભિનેતા-રાજકારણી વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે)ના ચૂંટણી મેદાનમાં પ્રવેશથી આ જંગ રસપ્રદ બન્યો છે.
પશ્ચિમ બંગાળમાં જ્યાં ભાજપ મુખ્ય વિપક્ષ છે, ત્યાં પક્ષે તેની ચૂંટણી રણનીતિ મુખ્યત્વે રાષ્ટ્રીય સુરક્ષા અને મમતા બેનર્જીની વહીવટી ખામીઓ પર રાખી છે. ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપની રણનીતિ આવી જ હતી, જ્યારે તેણે ૨૯૪માંથી ૭૭ બેઠકો જીતી હતી. મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસ સરકાર ૨૦૧૧થી સત્તામાં છે અને ભાજપ આશા રાખશે કે કોઈક તબક્કે સત્તાવિરોધી લહેર કામ કરશે. જો કે, પક્ષ પાસે એવો કોઈ રાજ્ય કક્ષાનો નેતા નથી જે બેનર્જીનો સામનો કરી શકે.
તમિલનાડુ અને કેરળમાં પણ આ સાચું છે. જો કે, તમિલનાડુમાં આ બહુ મહત્ત્વનું નથી. કારણ કે, ભાજપ ત્યાં એઆઈએડીએમકેની આગેવાની હેઠળના ગઠબંધનમાં જુનિયર ભાગીદાર છે. ખુદ એઆઈએડીએમકે જ ભારે દબાણ હેઠળ છે. કારણ કે, તેના નેતા અને પૂર્વ સીએમ જે. જયલલિતાના નિધન પછી પાર્ટીમાં મતભેદો અને વિભાજન થયાં છે. ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં એઆઈએડીએમકેએ ૨૩૪માંથી ૬૬ બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે ૪ અને પીએમકેએ ૫ બેઠકો જીતી હતી, જેનાથી એનડીએનો આંકડો ૭૫ થયો હતો, જ્યારે ડીએમકેની આગેવાની હેઠળના ગઠબંધનને ૧૫૯ બેઠકો મળી હતી.
પડોશી કેરળમાં ભાજપ માટે શ્રેષ્ઠ સ્થિતિ પિનારાઈ વિજયનની આગેવાની હેઠળની શાસક એલડીએફ સરકાર સામે મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવવા જેટલી બેઠકો મેળવવાની છે. જો કે, મોટા ભાગના વિશ્લેષકો કહે છે કે, તેની શક્યતા ઓછી છે. ભાજપ રાજ્યમાં ખ્રિસ્તી સમુદાય સાથે સક્રિયપણે નેટવર્ક બનાવી રહ્યો છે અને ભારત ધર્મ જન સેના (બીડીજેએસ) જેવા નાના પક્ષો સાથે જોડાણ કર્યું છે, જે ઈઝવા સમુદાય અને ઉદ્યોગપતિ સાબુ એમ. જેકબ દ્વારા શરૂ કરાયેલ ટ્વેન્ટી ૨૦ પાર્ટી પર પ્રભુત્વ ધરાવે છે. અન્ય સાથી પક્ષોમાં સજી મંજકડમ્બિલના નેતૃત્વમાં કેરળ કોંગ્રેસ (ડેમોક્રેટિક), કેરળ કામરાજ કોંગ્રેસ અને લોક જનશક્તિ પાર્ટીનો સમાવેશ થાય છે. ૨૦૨૧ની ચૂંટણીમાં ભાજપે જે ૧૧૩ બેઠકો પર ચૂંટણી લડી હતી તેમાંથી એક પણ બેઠક જીતી શકી નહોતી.
ત્રણ બાબતો નોંધપાત્ર છે.
પ્રથમ, આ ચૂંટણીઓ પ્રાદેશિક પક્ષો અને મુદ્દાઓ માટે નિર્ણાયક છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પ્રાદેશિક પક્ષોનું શાસન છે અને કેરળમાં સત્તાધારી સીપીએમ પણ લગભગ પ્રાદેશિક પક્ષ જેવો જ છે. આસામ જેવા રાજ્યમાં પણ જ્યાં સ્પર્ધા રાષ્ટ્રીય પક્ષો વચ્ચે છે, ત્યાં મુદ્દાઓ અને પ્રચારની પ્રાદેશિક અસર ચોક્કસપણે જોવા મળશે. છેલ્લાં ૧૦ વર્ષોમાં વ્યક્તિગત કરિશ્મા, પ્રાદેશિક ગતિશીલતા અને કલ્યાણકારી યોજનાઓને કારણે પ્રાદેશિક પક્ષો ભાજપનો પ્રતિકાર કરવામાં કોંગ્રેસ કરતાં વધુ સફળ રહ્યા છે. ત્યાં મમતા બેનર્જી (બંગાળ), એમ.કે. સ્ટાલિન (તમિલનાડુ) અને પિનારાઈ વિજયન (કેરળ) પર સૌની નજર છે.
બીજું, ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં સારા પ્રદર્શન પછી કોંગ્રેસે હરિયાણામાં ભૂલ કરી અને મહારાષ્ટ્ર, દિલ્હી અને બિહારમાં પરાજયનો સામનો કરવો પડ્યો. તેથી, આ પાંચ વિધાનસભા ચૂંટણીઓ તેની ખોવાયેલી જમીન પાછી મેળવવા માટેની શ્રેષ્ઠ તક સમાન છે. છેલ્લે, આ ચૂંટણીઓ એસઆઈઆર દ્વારા મતદારયાદી સુધારવા બાબતે પણ છે. પશ્ચિમ બંગાળમાં લાખો મતદારોના ભાવિ પર પ્રશ્નાર્થ ચિહ્નો લટકી રહ્યાં છે. જેમના મતાધિકારીનો નિર્ણય હજી ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.