Gujarat

પીએમ મોદીના રાજદ્વારી પ્રયાસોથી ‘શિવાલિક’ જહાજ મુંદ્રા બંદરે સુરક્ષિત પહોંચ્યું – જીતુ વાઘાણી

ગાંધીનગર,તા.16
વૈશ્વિક અશાંતિ અને અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે પણ ભારતનું LPG ગેસ ભરેલું ‘શિવાલિક’ જહાજ સુરક્ષિત રીતે ગુજરાતના મુંદ્રા બંદરે પહોંચ્યું હોવાનું રાજ્યના કેબીનેટ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના મજબૂત રાજદ્વારી સંબંધોના પરિણામે આ શક્ય બન્યું છે.

ગૃહમાં માહિતી આપતાં મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે હાલમાં ઈરાન, ઇઝરાયેલ સહિતના દેશો વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે અને યુદ્ધ જેવું વાતાવરણ છે. તેવા સમયે LPGનો જથ્થો લઈને ભારતનું ‘શિવાલિક’ જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગુજરાતના મુંદ્રા બંદરે પહોંચ્યું છે. સાથે જ ‘નંદદેવી’ નામનું અન્ય જહાજ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થયું છે અને તે આવતીકાલે વાડીનાર બંદરે પહોંચશે.

તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારતના રાજદ્વારી સંબંધો વિશ્વમાં વધુ મજબૂત બન્યા છે, જેના કારણે વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતીય જહાજોની સુરક્ષિત અવરજવર શક્ય બની છે. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં ભારતે બતાવેલી કુશળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અંતમાં વાઘાણીએ ગુજરાત વિધાનસભા ગૃહના માધ્યમથી રાજ્યની પ્રજા વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ભારતની ડિપ્લોમેટીક સફળતા દેશની વધતી શક્તિનું પ્રતિબિંબ છે.

Most Popular

To Top