હાઈકોર્ટનો આદેશ કાગળ પર, આંગણવાડીની બહેનો રસ્તા પર ! ફતેગંજ વોર્ડ-3 કચેરીએ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું



(પ્રતિનિધિ), વડોદરા. તા.17
વડોદરામાં આજે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોના રોષનો જ્વાળામુખી ફાટ્યો હતો. લાંબા સમયથી પડતર માંગણીઓ અને ગંભીર આર્થિક ખેંચતાણનો સામનો કરી રહેલી હજારો મહિલાઓએ આજે સરકાર સામે બાયો ચઢાવી છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન (G.A.K.S.) ના નેજા હેઠળ ફતેગંજ સ્થિત વોર્ડ-3 ની વહીવટી કચેરીએ મોટી સંખ્યામાં બહેનો એકઠી થઈ હતી. સૂત્રોચ્ચાર સાથે બહેનોએ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આવેદનપત્રમાં રજૂઆત કરતા સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, નામદાર હાઈકોર્ટ દ્વારા આંગણવાડી વર્કરો માટે ₹24,500 ના વેતન ધોરણનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે, તેમ છતાં સરકાર આ આદેશનો અમલ કરવામાં ઉદાસીનતા દાખવી રહી છે. બહેનોએ આક્ષેપ કર્યો હતો કે, પાયાનું કામ કરવા ઉપરાંત તેમના પર ‘ટેકો’ એપ્લિકેશન સહિતની અટપટી ઓનલાઇન કામગીરી થોપી દેવામાં આવી છે. ઇન્ટરનેટના ખર્ચથી માંડીને મોબાઇલની માથાકૂટ વચ્ચે બહેનો માનસિક રીતે થાકી ગઈ છે. વળી, આંગણવાડી કેન્દ્રો ચલાવવા માટે જે ફ્લેક્સી ફંડ અને ગ્રાન્ટ મળવી જોઈએ, તે લાંબા સમયથી અટવાયેલી છે. પરિણામે, બાળકોના પોષણ અને કેન્દ્રના નિભાવ માટે બહેનોએ પોતાના ઘરના પૈસા ખર્ચવા પડે તેવી નોબત આવી છે. આવેદનપત્રમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો સરકાર સત્વરે નિર્ણય નહીં લે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. સંગઠને સત્તાવાર જાહેરાત કરી છે કે, 18, 19 અને 20 માર્ચ દરમિયાન તમામ આંગણવાડીઓ પર તાળાબંધી જેવી સ્થિતિ રહેશે. તમામ વર્કર અને હેલ્પર ‘રજા રિપોર્ટ’ આપીને તમામ ઓનલાઇન અને ઓફલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે. વહેલી તકે પગાર વધારો, નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ કરવી અને બાકી ભથ્થાની ચૂકવણી કરવી અનિવાર્ય છે. સી.ડી.પી.ઓ. પ્રોગ્રામ ઓફિસરને આવેદનપત્ર આપીને બહેનોએ સ્પષ્ટ કર્યું છે કે, હવે માત્ર આશ્વાસનોથી કામ નહીં ચાલે. જો 17 માર્ચ સુધીમાં સરકાર તરફથી કોઈ હકારાત્મક સંકેત નહીં મળે, તો રાજ્યવ્યાપી હડતાળને કારણે આંગણવાડીના હજારો ભૂલકાઓના પોષણ અને શિક્ષણ પર જે અસર પડશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આજે થયેલો આ વિરોધ માત્ર એક શરૂઆત છે, જો ન્યાય નહીં મળે તો આ લડાઈ ગાંધીનગરના ઉંબરા સુધી પહોંચશે તે નક્કી છે.