Columns

અમેરિકા ઈરાનના ખાર્ગ ટાપુ પર હુમલો કરીને કેમ કબજો જમાવવા માગે છે?

અમેરિકાએ ઈરાનનું હૃદય ગણાતા ખાર્ગ ટાપુ પર હુમલો કર્યો છે. આ હુમલો નિઃશંકપણે ઈરાનને ગુસ્સે કરશે અને બદલો લેવા માટે મજબૂર કરશે. ખાર્ગ ટાપુ ઈરાનના તેલનિકાસ માટે એક મુખ્ય કેન્દ્ર છે. તે દેશની ખનિજ તેલની નિકાસનો આશરે ૯૦ ટકા હિસ્સો ધરાવે છે. ખાર્ગ ટાપુના રસ્તે વાર્ષિક આશરે ૯૫ કરોડ બેરલ ખનિજ તેલ મોકલવામાં આવે છે. આ નાનો ટાપુ લગભગ ૬ કિલોમીટર લાંબો અને ૪ કિલોમીટર પહોળો છે અને ઊંડાં પાણીથી ઘેરાયેલો છે, જેના કારણે મોટાં તેલ-ટેન્કરો સરળતાથી ડોક કરી શકે છે અને ઇંધણ ભરી શકે છે.

અહીંથી મોકલવામાં આવતું મોટા ભાગનું તેલ એશિયન દેશો માટે નિર્ધારિત છે, જેમાં ચીન સૌથી મોટો ખરીદદાર છે. ખાર્ગ ટાપુ ઈરાન માટે ખૂબ જ વ્યૂહાત્મક અને આર્થિક મહત્ત્વ ધરાવે છે અને તેથી તેની કડક સુરક્ષાનાં પગલાં લેવામાં આવ્યાં છે. તેની સુરક્ષા મુખ્યત્વે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને ઈરાની નૌકાદળ દ્વારા સંભાળવામાં આવે છે. સમગ્ર વિસ્તારમાં લશ્કરી ચોકીઓ, દેખરેખ પ્રણાલીઓ અને દરિયાકાંઠાના સંરક્ષણ તૈનાત કરવામાં આવ્યા છે. ફક્ત ખાસ પરવાનગી ધરાવતાં કર્મચારીઓ અને અધિકારીઓને જ ખાર્ગ ટાપુની મુલાકાત લેવાની મંજૂરી મળે છે.

ઈરાનના બુશેહર પ્રાંતમાં સ્થિત આ ટાપુ ફક્ત ૨૨ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. તેલની શોધ થઈ તે પહેલાં આ ટાપુ વેપાર અને દરિયાઈ માર્ગો માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવતો હતો. ઇતિહાસમાં વિવિધ સમયે પોર્ટુગીઝ અને ડચ દળોએ તેને કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. ૧૮મી સદીમાં ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અહીં એક કિલ્લો પણ બનાવ્યો હતો, પરંતુ પછીથી સ્થાનિક શાસકો દ્વારા તેને હાંકી કાઢવામાં આવી હતી. ૨૦મી સદીની શરૂઆતમાં રેઝા શાહ પહલવી દ્વારા ખાર્ગ ટાપુનો ઉપયોગ રાજકીય કેદીઓ માટે દેશનિકાલનાં સ્થળ તરીકે કરવામાં આવતો હતો. ૧૯૫૮ પછી ગલ્ફમાં ખનિજ તેલના ઉદ્યોગનો વિકાસ થયો અને ૧૯૬૦ના દાયકામાં ઇરાનમાં નવા તેલ ભંડારોની શોધ બાદ તે ઈરાનનું મુખ્ય ખનિજ તેલ નિકાસ કેન્દ્ર બન્યું.

ખાર્ગ ટાપુ ફક્ત તેના તેલ માટે જ નહીં પરંતુ તેના પ્રાચીન ઇતિહાસ માટે પણ જાણીતો છે. અહીં ઝોરોસ્ટ્રિયન, ખ્રિસ્તી અને સસાનિયન કાળનાં કબ્રસ્તાન અને ધાર્મિક સ્થળો મળી આવ્યાં છે. મીર મોહમ્મદનું મંદિર, ડચ કિલ્લાના અવશેષો અને પ્રાચીન શિલાલેખો પણ મુખ્ય ઐતિહાસિક સ્થળો છે. ખાર્ગ ટાપુને એક સમયે ઈરાની લેખક જલાલ અલ-એ અહમદે પર્સિયન ગલ્ફનું અનાથ મોતી કહ્યું હતું. તે સમયે આ ટાપુ નિર્જન હતો, પરંતુ તે સમયે તે મહત્ત્વપૂર્ણ હતો અને આજે પણ છે.

૧૯૮૦ના દાયકામાં ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન આ ટાપુ પર ઘણી વખત બોમ્બમારો કરવામાં આવ્યો હતો. બાદમાં ઈરાને તેનો પુનર્વિકાસ કર્યો હતો. આજે પણ આ ટાપુને ખૂબ જ સુરક્ષિત લશ્કરી ક્ષેત્ર માનવામાં આવે છે અને સામાન્ય પ્રવાસીઓને તેની મુલાકાત લેવાની મંજૂરી મળતી નથી. પર્સિયન ગલ્ફના શાંત પાણીની વચ્ચે સ્થિત આ નાનો ટાપુ ઈરાનના અર્થતંત્રનું હૃદય બનીને ધબકતો રહે છે અને વૈશ્વિક ઊર્જા રાજકારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ગયા વર્ષે જૂનમાં ૧૨ દિવસના યુદ્ધ પહેલાં પણ ખાર્ગ ટાપુનું નામ ઇઝરાયલના સંભવિત લક્ષ્યોમાં સામેલ હતું. હવે, ખાર્ગ ટાપુ પરના હુમલા પછી એવી અટકળો તેજ થઈ ગઈ છે કે અમેરિકા આ ​​ટાપુ પર કબજો કરી શકે છે. પેન્ટાગોનના ભૂતપૂર્વ વરિષ્ઠ સલાહકાર માઈકલ રુબિને ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે તેમણે ટ્રમ્પ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ખાર્ગ ટાપુના મહત્ત્વ અને તેના પર કબજો કરવાના મુદ્દા અંગે વાત કરી છે. તેમનું માનવું છે કે જો ટ્રમ્પ મિસાઇલ હુમલાઓ અને બોમ્બમારા ઉપરાંત ઈરાન પર દબાણ વધારવા માંગતા હોય, તો ખાર્ગ ટાપુ પર કબજો કરવાથી ઈરાની શાસન એક મહત્ત્વપૂર્ણ નાણાંકીય સ્રોતથી વંચિત રહી શકે છે.

ખાર્ગથી લગભગ ૭૫ કિલોમીટર પશ્ચિમમાં અબુઝાર આવેલું છે, જે ઈરાનનું સૌથી મોટું ઓફશોર ઓઇલ કોમ્પ્લેક્સ છે, જે પર્સિયન ગલ્ફમાં ઈરાનના મોટાભાગના તેલ ઉત્પાદનનો સ્રોત છે. અબુઝાર તેલ ક્ષેત્રમાં ત્રણ મુખ્ય ઉત્પાદન પ્લેટફોર્મ છે, દરેકની ઉત્પાદન ક્ષમતા ૮૦,૦૦૦ બેરલ પ્રતિ દિવસ છે. અબુઝાર તેલ રિફાઇનરી પણ ખાર્ગ ટાપુ પર સ્થિત છે. ઈરાની ઓઈલ ટર્મિનલ્સ કંપનીના જણાવ્યા અનુસાર, ખાર્ગમાં ૪૦ થી વધુ ક્રુડ ઓઈલ સ્ટોરેજ ટેન્ક છે જેની કુલ ક્ષમતા ૨ કરોડ બેરલથી વધુ છે. દેશનાં દક્ષિણ તેલ ક્ષેત્રોમાંથી કાઢવામાં આવતું ક્રુડ ઓઇલ દરિયાની નીચે નાખેલી પાઇપલાઇનો દ્વારા આ ટાંકીઓમાં પહોંચાડવામાં આવે છે.

ખાર્ગ ટાપુ માત્ર ક્રૂડ ઓઇલનો સંગ્રહ જ નથી કરતો, પરંતુ તેલનું માપ પણ લે છે, તેની ગુણવત્તા તપાસે છે અને નિકાસ કરતાં પહેલાં વિવિધ પ્રકારના ક્રુડ ઓઇલનું વર્ગીકરણ કરે છે. ઈરાન પરમાણુ કરાર પછી જ્યારે ઈરાનને તેલનું ઉત્પાદન વધારવા અને તેને અમુક સમય માટે વેચવાની મંજૂરી આપવામાં આવી હતી ત્યારે ઈરાને તેના તેલસંગ્રહ ટાંકીઓનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ખાર્ગ ટાપુ પર મર્યાદિત જમીન છે અને ઘણીવાર તોફાની હવામાન રહે છે. તેથી, ૨૦૧૬ માં આશરે ૧ કરોડ બેરલની ક્ષમતા ધરાવતો ઓમિદ તેલ સંગ્રહ પ્રોજેક્ટ બુશેહર પ્રાંતના ગનાવેહ શહેરથી ૨૮ કિલોમીટર દૂર શરૂ કરવામાં આવ્યો હતો. ગણવેહમાં ઓમિદ ઓઇલ ટાંકી સંકુલ સૌથી મોટી ખાનગી ખનિજ તેલ સંગ્રહ સુવિધા હોવાનું કહેવાય છે.

અહીં સ્થિત તેલ સુવિધાઓની નજીક હરણ ફરતાં જોઈ શકાય છે.  ઘણાં વર્ષો પહેલાં અહીં હરણનો પ્રવેશ થયો હતો અને તેમની સંખ્યા હવે ટાપુની ક્ષમતા કરતાં વધી ગઈ છે. ખાર્ગ ટાપુ પર બે મુખ્ય દરિયાકિનારા છે, પૂર્વ અને પશ્ચિમ. ૧૯૫૫માં તેલ કંપનીઓના એક સંઘ સાથે થયેલા કરાર બાદ ખાર્ગ ખાતે તેલ લોડિંગ ડોક અને ક્રુડ ઓઇલ સ્ટોરેજ ટેન્કના નિર્માણનું કામ શરૂ થયું. પૂર્વીય બર્થ ટી-આકારનો છે અને તે એક સાથે ૨૭૫,૦૦૦ ટનની ક્ષમતાવાળા છ તેલ ટેન્કરોને સમાવી શકે છે. પશ્ચિમી બર્થમાં ચાર બર્થ છે, જે ૫૦૦,૦૦૦ ટનની ક્ષમતાવાળા ટેન્કરોને તેલ લોડ કરવાની મંજૂરી આપે છે. ખાર્ગ ટાપુ પર ક્રૂડ ઓઇલની ગુણવત્તાના સતત પરીક્ષણ માટે એક રાસાયણિક પ્રયોગશાળા પણ છે. આ પ્રયોગશાળા ISO/IEC ૧૭૦૨૫ ધોરણ અનુસાર પ્રમાણિત છે અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળા ગણવામાં આવે છે.

આ ટાપુ પર ખાર્ગ પેટ્રોકેમિકલ કંપની પણ કાર્યરત છે. તેનો ઉદ્દેશ તેલ ઉત્પાદન દરમિયાન મુક્ત થતા વાયુઓને બાળવાને બદલે ઉપયોગી ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવાનો છે. આ કંપનીનાં મુખ્ય ઉત્પાદનો મિથેનોલ, સલ્ફર, પ્રોપેન, બ્યુટેન, નેપ્થા છે. ૮,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા આ ટાપુમાં ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટીની મરીન સાયન્સ અને આર્ટ્સ જેવી શાખાઓ પણ છે. ત્યાં શીખવવામાં આવતા મહત્ત્વપૂર્ણ વિષયોમાં પેટ્રોલિયમ અને મેરીટાઇમ અભ્યાસનો સમાવેશ થાય છે. ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન ઈરાનની ૯૦ ટકાથી વધુ ખનિજ તેલની નિકાસ ખાર્ગ ટાપુમાંથી પસાર થતી હતી. પરિણામે ઈરાકે આ નાના ટાપુ પર લગભગ ૨,૮૦૦ વખત હુમલો કર્યો હતો. તે સમયના કુખ્યાત ટેન્કર યુદ્ધનો મોટો ભાગ ખાર્ગ ટાપુની આસપાસ પણ થયો હતો.

આ વખતે ખાર્ગ ટાપુ પર વધુ ધ્યાન ગયું, જ્યારે ઇઝરાયલના ભૂતપૂર્વ વડા પ્રધાન અને દેશના મુખ્ય વિપક્ષી નેતા યાયર લેપિડે તેહરાન અને કારાજ તેલ ડેપો પર હુમલાના એક દિવસ પછી સોશ્યલ મીડિયા પર લખ્યું કે ઇઝરાયલે ખાર્ગ ટાપુ પરના ઈરાનનાં તમામ તેલ ક્ષેત્રો અને ઊર્જા ઉદ્યોગનો નાશ કરવો જોઈએ. આ એક એવું પગલું હશે જે ઈરાનની અર્થવ્યવસ્થાને નષ્ટ કરશે અને સરકારને ઉથલાવી નાખશે. જો કે, ઈરાન કોઈ પણ ભોગે ખાર્ગ ટાપુની રક્ષા કરશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top