એક દિવસ સવાર અને સાંજ વચ્ચે ઝઘડો થયો, વાત વધી ગઈ. સવાર અને સાંજ પોતાની વાહ વાહ કરવા લાગ્યા અને એકમેક પર દોષારોપણ કરવા લાગ્યા. સવારે કહ્યું, ‘હું સુરજનું પ્રથમ કિરણ આ પૃથ્વી પર લાવું છું. મારી સુંદરતા, મારી રંગછટા અદ્ભુત હોય છે. અંધારું દૂર કરી ધીમે ધીમે આકાશને લાલ, સોનેરી અને કેસરી રંગે રંગી નાખું છું. પંખીઓનો કલરવ ગૂંજી ઊઠે છે.હું સૂર્યનારાયણનું સ્વાગત કરું છું અને શક્તિનો વાતાવરણમાં સંચાર કરું છું. બધાને નવીન દિવસની શરૂઆત કરવા, કામ કરવા પ્રેરિત કરું છું.
નવા દિવસનો નવીન સંદેશ લાવું છું. સાંજ બોલી, ‘‘અરે, તું તો શાંત આરામથી નિંદરમાં પોઢેલી સૃષ્ટિને જગાડી દે છે. તેના શાંતિભર્યા જીવનમાં દોડભાગને ઉમેરી દે છે. તારા આવતાં જ બધા ચારે બાજુ દોડાદોડી કરવા લાગે છે.’’ સવાર બોલી, ‘‘એ જ મારું કર્મ છે. હું ઈશ્વરે મને સોંપેલું કાર્ય કરું છું. સાંજ તું શું કરે છે? તું તો ચારે બાજુ અંધારું ફેલાવે છે. લોકોને થકવી નાખે છે. આ સાંભળી સાંજ બોલી, ‘‘ના, ના, હું તો બધાનો હાશકારો છું. હું સૂર્યની છેલ્લી કિરણને ખીલવું છું. ગુલાબી રમ્ય છટાથી મનોરમ દૃશ્ય સર્જુ છું. બધાને કામથી છુટકારો આપી ઘરે પહોંચાડું છું.
પ્રેમીજનોને મીઠી મધુરી વાતો કરવાની તક આપું છું. સ્નેહીજનોને મિત્રોને સંગાથે યાદગાર પળો માણવાની મજા આપું છું. બધાને ખુશી, શાંતિ અને હાશકારો આપું છું’’. આમ ક્યારનો બન્ને વચ્ચેનો વાદવિવાદ અને ઝઘડો ચાલતો જ રહ્યો… ચાલતો જ રહ્યો. વાત વધી ગઈ અને ભગવાન સૂર્યનારાયણ પાસે પહોંચી. સૂર્ય ભગવાને સાંજ અને સવાર બંનેને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, ‘‘તમે બંને શું કામ ઝઘડો છો?
તમે બંને મારાં સ્વરૂપો છો. તમારા બંનેનું સર્જન મારી સ્થિતિને કારણે જ થાય છે. તમારા બંનેમાં માત્ર એક જ ફરક છે ઉદય અને અસ્તનો. મારો એટલે કે સૂર્યનો ઉદય થાય એટલે સવાર અને સૂર્યનો અસ્ત થાય એટલે સાંજ. કોઈ એકમેકથી ચઢિયાતું નથી. સવાર, તું શક્તિનો સંચાર કરી આગળ વધતાં શીખવે છે. સાંજ, તું શાંતિનો સંચાર કરી ઠરીને જીવતાં શીખવે છે. એકમેકનો આદર કરો. તમે બંને મહત્ત્વનાં છો.’’ જીવનમાં ક્યારેય કોઈ સાથે સ્પર્ધા ન કરો કારણ બધાં જ મહત્ત્વનાં હોય છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.