બિહારમાં ભરતી બોર્ડની મોટી બેદરકારી
બિહારના રોહતાસ જિલ્લોમાંથી ભરતી પરીક્ષાની પ્રક્રિયામાં થયેલી એક અજીબ અને ચોંકાવનારી ભૂલ સામે આવી છે. અહીં એક ઉમેદવારને મળેલા એડમિટ કાર્ડમાં તેની પોતાની તસવીરની જગ્યાએ કૂતરાની તસવીર છપાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ ભરતી પ્રક્રિયાની કામગીરી અને વ્યવસ્થાપન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે
આ સમગ્ર મામલો રિતેશ કુમાર નામના ઉમેદવાર સાથે જોડાયેલો છે. રિતેશ કુમારે વર્ષ 2022માં Rohtas District and Sessions Courtમાં ચપરાસી (Peon) પદ માટે અરજી કરી હતી. આ ભરતી માટેની જાહેરાત બહાર પાડ્યા બાદ પરીક્ષા લાંબા સમય સુધી લટકતી રહી હતી. લગભગ ચાર વર્ષ પછી હવે પ્રાથમિક પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે.
પરંતુ જ્યારે રિતેશ કુમારે 15 માર્ચે યોજાનારી પરીક્ષાનું એડમિટ કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કર્યું, ત્યારે તે આશ્ચર્યમાં પડી ગયો. કારણ કે એડમિટ કાર્ડ પર તેની જગ્યાએ Golden Retriever જાતિના કૂતરાનો ફોટો દેખાતો હતો. આ દ્રશ્ય જોઈને રિતેશ કુમાર પણ ચોંકી ગયો અને તરત જ અધિકારીઓનો સંપર્ક કર્યો
રિતેશ કુમારના જણાવ્યા મુજબ, અરજી કરતી વખતે તેણે પોતાની સાચી તસવીર જ અપલોડ કરી હતી. તેણે આ વાત સાબિત કરવા માટે અરજી વખતે મળેલી એક્નોલેજમેન્ટ સ્લિપ પણ બતાવી છે. તેમ છતાં એડમિટ કાર્ડમાં આવી મોટી ભૂલ કેવી રીતે થઈ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી
આ ઘટનાના કારણે રિતેશ પોતાના ગામમાં મજાકનો વિષય બની ગયો હોવાનું કહે છે. ગામના લોકો તેની સાથે મજાક કરે છે અને એડમિટ કાર્ડની વાતને લઈને ચર્ચા કરે છે. જેના કારણે તેને અપરાધભાવ અને માનસિક દબાણનો સામનો કરવો પડી રહ્યો છે
રિતેશે આ ભૂલ સુધારવા માટે ભરતી બોર્ડ પાસે અનેક વખત ફરિયાદ નોંધાવી છે. પરંતુ તેની ફરિયાદ પર અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. હવે પરીક્ષાની તારીખ નજીક આવી રહી હોવાથી તે વધુ ચિંતિત બની ગયો છે
ઉમેદવારે સંબંધિત અધિકારીઓને અપીલ કરી છે કે તરત જ આ ભૂલ સુધારવામાં આવે, જેથી તે વિના કોઈ અવરોધ પરીક્ષામાં ભાગ લઈ શકે. બીજી તરફ આ ઘટના સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો ભરતી પ્રણાલીની બેદરકારી પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે