ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 હવે 28 માર્ચથી શરૂ થશે. T20 વર્લ્ડ કપ ફાઈનલ પહેલા રવિવારે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ ટુર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થવાની હતી, પરંતુ તામિલનાડુ, કેરળ, આસામ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ રાજ્યોમાં આવેલા કેટલાક મોટા સ્ટેડિયમ IPLના મહત્વના વેન્યુ તરીકે ઉપયોગમાં લેવાતા હોવાથી સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. ચેન્નઈનું એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ચેન્નઈ સુપર કિંગ્સનું હોમ ગ્રાઉન્ડ છે, જ્યારે કોલકાતાનું ઈડન ગાર્ડન્સ કોલકાતા નાઈટ રાઈડર્સનું હોમ વેન્યુ છે. આસામના ગુવાહાટીમાં આવેલું બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ રાજસ્થાન રોયલ્સ માટે સેકન્ડ હોમ ગ્રાઉન્ડ તરીકે ઉપયોગમાં લેવાય છે.
ચૂંટણીના કારણે આ વર્ષે IPLનું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર થવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. અગાઉ 2009, 2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ BCCIએ આવું મોડેલ અપનાવ્યું હતું. આ ઉપરાંત, ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ ક્યાં રમાશે તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ઓપનિંગ મેચમાં રમવાની સંભાવના છે, પરંતુ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ અંગે હજુ અનિશ્ચિતતા છે. ગયા વર્ષે ટીમની જીતની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડમાં 11 ચાહકોના મોત થયા બાદ RCB અને કર્ણાટક ક્રિકેટ સંસ્થા વચ્ચે હોમ મેચોના સ્થળ અંગે ચર્ચા ચાલી રહી છે. વિકલ્પ તરીકે ફ્રેન્ચાઇઝીએ નવી મુંબઈ, રાયપુર અને પુણે જેવા શહેરોને શોર્ટલિસ્ટ કર્યા હોવાનું જણાવાયું છે. BCCIએ ગયા વર્ષે ડિસેમ્બરમાં અબુધાબીમાં યોજાયેલા ઓક્શન દરમિયાન ફ્રેન્ચાઇઝીઓને સીઝન 26 માર્ચથી 31 મે સુધી ચાલશે તેવી માહિતી આપી હતી. જોકે હવે શરૂઆત 28 માર્ચથી થશે, જ્યારે ફાઇનલ 31 મેના રોજ જ રમાવાની શક્યતા છે. કારણ કે મોટાભાગે મોટી સ્પોર્ટ્સ ટુર્નામેન્ટની ફાઇનલ રવિવારે યોજાય છે.