પ્રતિનિધિ : સંખેડા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 10 તથા ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો આજથી રાજ્યભરમાં શુભ આરંભ થયો છે. પ્રથમ દિવસે ધોરણ 10માં ગુજરાતી વિષય અને ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)માં અર્થશાસ્ત્ર વિષયનું પ્રશ્નપત્ર યોજાયું હતું.
ડી.બી. પારેખ હાઈસ્કૂલમાં ઉષ્માભર્યું સ્વાગત
સંખેડા સ્થિત ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા SSC અને HSC બોર્ડ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી. સવારે 9:30 કલાકે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી, ફૂલ અર્પણ કરીને તથા સાકર અને ચોકલેટથી મોઢું મીઠું કરાવી શુભાશીર્વાદ સાથે પરીક્ષા હોલમાં પ્રવેશ અપાયો હતો.
આચાર્યના પ્રેરણાદાયી સંદેશ
આ પ્રસંગે શાળાના આચાર્ય ચિરાગ શાહે વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું કે, “બોર્ડ પરીક્ષા જીવનનો અંત નથી, પરંતુ ભવિષ્યને દિશા આપતો મહત્વપૂર્ણ પડાવ છે.” તેમણે વિદ્યાર્થીઓને અનાવશ્યક તણાવથી દૂર રહી શાંતિપૂર્વક અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો. સાથે જ દરેક પ્રશ્ન ધ્યાનપૂર્વક વાંચી સમયનું યોગ્ય આયોજન કરીને શ્રેષ્ઠ પ્રયાસ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આજ રોજ ધોરણ 10ના પ્રશ્નપત્રમાં યુનિટ–01 અને યુનિટ–02 માટે કુલ 722 વિદ્યાર્થીઓમાંથી 683 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સ્ટાફ તથા મેડિકલ ટીમની હાજરી સાથે પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત વાતાવરણમાં યોજાઈ હતી.
શાળા પરિવાર દ્વારા તમામ પરીક્ષાર્થીઓને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
રિપોર્ટર— સુરન્દ્રસિંહ ચાવડા, સંખેડા