સ્થાનિકોમાં ફફડાટ: સાવચેતીના ભાગરૂપે ગેસ પુરવઠો તાત્કાલિક બંધ કરી સમારકામ હાથ ધરાયું



વડોદરા: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા દિવાળીપુરા વિસ્તારમાં મંગળવારે ડ્રેનેજ લાઈનના ખોદકામ દરમિયાન અચાનક ગેસની પાઈપલાઈન લીક થવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગેસ લીકેજના કારણે હવામાં પ્રસરેલી ગંધને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ, દિવાળીપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ લાઈન નાખવાની અથવા રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. મંગળવારે ત્રિકમ પાવડા દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન જમીનમાં પસાર થતી ગેસની મુખ્ય પાઈપલાઈન સાથે મશીન અથડાતા લાઈન પંચર થઈ હતી. ગેસ લીક થવાનો અવાજ અને તીવ્ર ગંધ આવતા જ કામ કરી રહેલા શ્રમિકો અને આસપાસના લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા.
ખોદકામ દરમિયાન વારંવાર વીજળી કે ગેસની લાઈનો કપાઈ જવાની ઘટનાઓથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સદનસીબે, ગેસ લીકેજ બાદ કોઈ આગ કે મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, પરંતુ ગેસ પુરવઠો ખોરવાતા ગૃહિણીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.