SURAT

ટ્રેડ ડીલ સામે સુરતમાં આપનો ઘેરાવો,18% ડ્યૂટીથી ખેડૂત-વેપારીઓને નુકસાનનો આક્ષેપ

અમેરિકાના ટ્રેડ ડીલ મુદ્દે સુરતમાં રાજકીય ગરમાવો વધ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા શહેરમાં વિરોધ પ્રદર્શન કરી ટ્રેડ ડીલનો કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈ કેન્દ્રસરકાર સામે નારાબાજી કરી હતી અને આ ડીલ તાત્કાલિક રદ કરવાની માંગ ઉઠાવી હતી.આપના નેતાઓએ આક્ષેપ કર્યો કે અગાઉ કેટલાક ઉત્પાદનો પર ઝીરો ટકા ડ્યૂટી લાગતી હતી.

જ્યારે હવે 18 ટકા સુધીનો ટેક્સ લાગુ પડતા ભારતીય બજારમાં ભારે અસર પડશે. તેમના મત મુજબ આ નિર્ણયથી ખાસ કરીને ખેડૂત, પશુપાલક અને નાના વેપારીઓને સીધું નુકસાન થશે. કૃષિ ઉત્પાદન અને દૂધ ઉદ્યોગ પર વિદેશી સ્પર્ધાનો દબાણ વધશે, જેના કારણે સ્થાનિક ઉત્પાદકોની આવક ઘટી શકે છે.પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “આ ટ્રેડ ડીલ દેશના સામાન્ય નાગરિકો માટે ઘાતક સાબિત થશે. નાના ઉદ્યોગકારો અને મધ્યમ વર્ગ પર આર્થિક ભારણ વધશે. સરકારે નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.” પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ બેનરો સાથે રેલી કાઢી ટ્રેડ ડીલ હટાવવા માંગ કરી હતી.

આપે ચેતવણી આપી છે કે જો ટ્રેડ ડીલ રદ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન અને જનજાગૃતિ અભિયાન ચલાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.સુરતમાં થયેલા આ વિરોધને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. હવે સરકાર તરફથી શું પ્રતિસાદ આવે છે અને ટ્રેડ ડીલ મુદ્દે શું સ્પષ્ટતા કરવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

Most Popular

To Top