ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની મહત્ત્વપૂર્ણ બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી. બેઠકમાં કાઉન્સિલના વાઈસ ચેરમેન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીના વિઝનથી ચાલી રહેલા સાબરમતી આશ્રમ ખાતે સુધારણા અને નવસર્જન કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં એક્ઝિક્યુટીવ કાઉન્સિલના ચેરમેન આઈ.પી. ગૌતમ દ્વારા પ્રેઝન્ટેશન મારફતે પ્રોજેક્ટની સર્વગ્રાહી માહિતી રજૂ કરવામાં આવી હતી.
પ્રોજેક્ટ અંતર્ગત આશ્રમના કુલ 28 મકાનોના પુનઃસ્થાપન કાર્ય હાથ ધરાયા છે. જેમાંથી 22 મકાનોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. બાકી રહેલા કામ માર્ચ 2026 સુધી પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આશ્રમના વિકાસમાં ગ્રીન ગ્રોથને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર પરિસરમાં 98 હજાર જેટલા નાના-મોટા વૃક્ષોનું પ્લાન્ટેશન પૂર્ણ થયું છે અને માર્ચ 2026 સુધીમાં વધુ 16 હજાર વૃક્ષારોપણ કરવાનો આયોજન છે.બેઠકમાં શ્રમદાન અને સેવા પ્રવૃત્તિઓ સાથે યુવાનોને જોડવાના મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી, જેથી આશ્રમની મુલાકાતે આવતા લોકો માત્ર દર્શન જ નહીં, પરંતુ સેવા કાર્યોમાં પણ સહભાગી બની શકે.
સાબરમતી આશ્રમના આધુનિકીકરણ સાથે તેની ઐતિહાસિક ઓળખ જળવાઈ રહે અને વિશ્વસ્તરે તેની પ્રતિષ્ઠા વધુ મજબૂત બને તે દિશામાં રાજ્ય સરકાર સક્રિય પ્રયત્નો કરી રહી હોવાનું બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.