બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન પુરું થયું છે. 13મી સંસદીય ચૂંટણી અને લોકમત માટે મતદાન પૂર્ણ થયું છે. છૂટાછવાયા બનાવો વચ્ચે ગુરુવારે સાંજે 4:30 વાગ્યે મતદાન પૂર્ણ થયું. જોકે જ્યાં મતદાન મથકો પર મતદારોની કતારો હજુ પણ હાજર છે અથવા મતદારો હાજર છે ત્યાં દરેક વ્યક્તિ મતદાન ન કરે ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહેશે.
દરમિયાન ખુલનામાં એક મતદાન કેન્દ્રની બહાર જમાત-એ-ઇસ્લામી કાર્યકર્તાઓ સાથેની અથડામણમાં BNP નેતા મોહિબુઝમાન કોચીનું મૃત્યુ થયું હતું. BNPનો દાવો છે કે જમાતના એક નેતાએ તેમને ધક્કો માર્યો હતો જેના કારણે તેઓ ઝાડ સાથે અથડાયા હતા. જમાતના નેતાનો દાવો છે કે મોહિબુઝમાન હંગામા દરમિયાન બીમાર પડ્યા હતા અને તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
બાંગ્લાદેશમાં મુન્શીગંજ-૩ અને ગોપાલગંજ સદર વિસ્તારોમાં મતદાન કેન્દ્રોની બહાર ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. મુન્શીગંજ-૩ માં વિસ્ફોટ પછી થોડા સમય માટે મતદાન બંધ કરવામાં આવ્યું હતું પરંતુ બાદમાં ફરી શરૂ કરાયું હતુ. ગોપાલગંજ સદર વિસ્તારમાં વિસ્ફોટમાં બે અંસાર સૈનિકો (અર્ધલશ્કરી દળો) અને એક ૧૪ વર્ષની છોકરી ઘાયલ થઈ હતી.
બાંગ્લાદેશમાં લગભગ ૧૨.૭ કરોડ મતદાતાઓ આજે તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે લગભગ અડધા 18 થી 37 વર્ષની વયના છે. આમાંથી આશરે 4.57 મિલિયન મતદારો પહેલી વાર મતદાન કર્યુ હતુ. દેશભરના 33,000 મતદાન કેન્દ્રો પર 47.91% મતદાન નોંધાયું છે.
બાંગ્લાદેશની સંસદીય ચૂંટણી માટે મતદાન
ગુરુવારે સવારે 7:30 વાગ્યે દેશભરમાં મતદાન શરૂ થયું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પહેલા સાડા ચાર કલાકમાં આશરે 47 ટકા મતદાન થયું હતું. આ પહેલી વાર છે જ્યારે બાંગ્લાદેશે સંસદીય ચૂંટણીની સાથે લોકમત યોજ્યો છે. દેશમાં પોસ્ટલ વોટિંગનો પણ આ પહેલો પ્રસંગ છે.
બાંગ્લાદેશમાં ૪૭.૯૧% મતદાન નોંધાયું હતું. બાંગ્લાદેશના ચૂંટણી પંચના વરિષ્ઠ સચિવ અખ્તર અહેમદના જણાવ્યા અનુસાર દેશભરના ૩૬,૦૦૦ મતદાન મથકો પર ૪૭.૯૧% મતદાન થયું હતું. તેમણે ઢાકામાં ચૂંટણી પંચના મુખ્યાલયમાં સાંજે ૪:૧૫ વાગ્યે આયોજિત પ્રેસ બ્રીફિંગમાં આ માહિતી આપી.