Gujarat

આજે વિશ્વ કઠોળ દિવસે, ગુજરાતમાં માત્ર ૬ વર્ષમાં કઠોળ ઉત્પાદન બમણું થયું

ગાંધીનગર: ૧૦ ફેબ્રુઆરીના વિશ્વ કઠોળ દિવસ નિમિત્તે ગુજરાતે કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આત્મનિર્ભર ભારત મિશન હેઠળ ગુજરાત રાજ્ય હવે દેશમાં કઠોળ ઉત્પાદનના અગ્રેસર રાજ્યોમાં સ્થાન મેળવી ચૂક્યું છે. છેલ્લા છ વર્ષમાં ગુજરાતમાં કઠોળ પાકનું વાવેતર વિસ્તાર દોઢ ગણું, ઉત્પાદકતા સવા ગણું અને કુલ ઉત્પાદન બમણું થયું છે.

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહયું હતું કે, છેલ્લા ૬ વર્ષમાં ગુજરાતમાં કઠોળ પાકની ઉત્પાદકતા સવા ગણો, વાવેતર વિસ્તાર દોઢ ગણો અને કુલ ઉત્પાદન બમણું થયું છે. વર્ષ ૨૦૧૯-૨૦માં જ્યાં રાજ્યમાં ૯ લાખ હેક્ટરમાં કઠોળનું વાવેતર થઈ ૧૦.૫૮ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થતું હતું, ત્યાં વર્ષ ૨૦૨૪-૨૫માં વાવેતર વિસ્તાર વધીને ૧૪.૩૯ લાખ હેક્ટર અને ઉત્પાદન ૨૧.૫૨ લાખ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે. પ્રતિ હેક્ટર ઉત્પાદકતા પણ ૧,૧૭૩ કિલોગ્રામથી વધીને ૧,૪૯૫ કિલોગ્રામ થઈ છે.

ગુજરાતના કઠોળ ઉત્પાદનમાં ચણાનો હિસ્સો સૌથી વધુ છે. રાજ્યના કુલ કઠોળ ઉત્પાદનમાં ૭૦ ટકાથી વધુ યોગદાન ચણાનું છે. છેલ્લા છ વર્ષમાં ચણાના ઉત્પાદનમાં અઢી ગણા કરતાં વધુ વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૯-૨૦માં ૬.૩૬ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થતું હતું, જે ૨૦૨૪-૨૫માં વધીને ૧૫.૬૩ લાખ મેટ્રિક ટન થયું છે.

તુવેરના ઉત્પાદનમાં પણ ગુજરાતે મજબૂત પ્રગતિ કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તુવેરના ઉત્પાદનમાં ૪૫ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. અડદ, મગ અને મઠ જેવા અન્ય કઠોળ પાકોનું વાવેતર પણ હવે વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યું છે, ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના સૂકા તથા અર્ધસૂકા વિસ્તારોમાં.આ કૃષિ ક્રાંતિ પાછળ ‘સૌની યોજના’, ‘સુજલામ સુફલામ’, ટેકાના ભાવમાં ૧૧થી ૩૧ ટકા વધારો, તેમજ ‘ગુજરાત ચણા-૩’ અને ‘ગુજરાત મગ-૪’ જેવી સુધારેલી જાતો મહત્વપૂર્ણ સાબિત થઈ છે. સાથે જ, કઠોળની નિકાસમાં થયેલા વધારાએ ખેડૂતોની આવકમાં વધારો કર્યો છે.

Most Popular

To Top