Gujarat

રાજકોટની 3 કરોડની ચાંદીની ચોરીમાં મુખ્ય આરોપી ઝડપાયો

અમદાવાદ: રાજકોટમાં થયેલી અંદાજે રૂ. 3 કરોડની ચાંદી ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. રાજ્યભરમાં ચર્ચાનો વિષય બનેલા આ હાઈ-પ્રોફાઈલ ચોરી કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપી અને ચોક્કસ કાર્યવાહી કરી 40 કિલો ચાંદી કબજે કરી છે, જ્યારે મુખ્ય આરોપી પ્રદીપ ચંપાલાલ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ રાજકોટમાંથી મોટા પ્રમાણમાં ચાંદીની ચોરી કરવામાં આવી હતી. ચોરી બાદ આરોપીઓ ચાંદી વેચવા માટે અલગ-અલગ શહેરોમાં ફરાર થયા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કેસની તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં ગુપ્ત માહિતીના આધારે ચોરી કરાયેલ ચાંદી મહેસાણા તરફ વેચાણ માટે લઈ જવામાં આવી રહી હોવાનું ખુલ્યું હતું. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી કરી અને મહેસાણા નજીકથી 40 કિલો ચાંદી કબજે કરી હતી. ઓપરેશન દરમિયાન મુખ્ય આરોપી પ્રદીપ પ્રજાપતિને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ પોલીસને ચોરીના સમગ્ર નેટવર્ક અંગે મહત્ત્વપૂર્ણ કડીઓ મળવાની શક્યતા છે.

પોલીસ તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે આ ચોરી કોઈ તાત્કાલિક નિર્ણય નહીં પરંતુ પૂર્વઆયોજિત કાવતરા સાથે કરવામાં આવી હતી. ચોરીમાં એકથી વધુ આરોપીઓ સામેલ હોવાની મજબૂત શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ એક અન્ય આરોપી કમલેશ પ્રજાપતિ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તેને પકડવા માટે સુરત, વડોદરા સહિતના વિસ્તારોમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અન્ય કિંમતી ધાતુની ચોરી પણ બહાર આવી શકે
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓનું માનવું છે કે આરોપીની પૂછપરછ દરમિયાન માત્ર આ ચોરી નહીં, પરંતુ અન્ય ચાંદી અથવા કિંમતી ધાતુની ચોરીના કેસોના પણ ખુલાસા થઈ શકે છે. કેસની તપાસ વધુ વેગ પકડી રહી છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની શક્યતા નકારી શકાતી નથી.

Most Popular

To Top